ભારતીય મહિલા ટીમની નજર આફ્રિકા સામે શ્રેણી જીત પર

પોર્ચેસ્ટ્રમ (દ. આફ્રિકા), તા. 12 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ભલે ત્રણ વન ડેની શ્રેણીની આખરી મેચમાં હાર મળી હોય, પણ તેનો આત્મવિશ્વાસ જરા પણ ઓછો થયો નથી અને તેની નજર આવતીકાલ મંગળવારથી અહીં શરૂ થતી પાંચ મેચની ટી-20 સિરીઝ જીતવા પર ટકેલી છે. વન ડે શ્રેણી 2-1થી જીતનાર ભારતીય મહિલા ટીમનું ટી-20માં સુકાન આક્રમક બેટધર હરમનપ્રીત સંભાળશે. ટી-20 શ્રેણી પૂર્વે સુકાની હરમનપ્રીત કૌરે કહ્યું છે કે, અમે ત્રીજી વન ડેની હાર ભૂલી ચૂક્યા છીએ. છોકરીઓ ગજબના આત્મવિશ્વાસમાં છે અને અમારું લક્ષ્ય ટી-20 શ્રેણીનો પ્રારંભ વિજય સાથે કરવાનું છે. ટીમની ઉપસુકાની તરીકે ફોર્મમાં ચાલી રહેલી સ્મૃતિ મંધાના હશે. ટી-20 વિશેષજ્ઞ અનુજા પાટિલ પદાર્પણ કરી રહી છે, જ્યારે ઓલરાઉન્ડર રાધા યાદવ અને વિકેટકીપર નુજહત પરવીન ટીમમાં સામેલ થઇ છે. આ ઉપરાંત 17 વર્ષની મુંબઇની જેમિમા રોડ્રિગ્સના પ્રદર્શન પર નજર રહેશે, જે અન્ડર-19માં 163 દડામાં 202 રન બનાવીને ચર્ચામાં આવી હતી. બીજી તરફ આફ્રિકાની મહિલા ટીમ વન ડે શ્રેણી હાર્યા બાદ ટી-20 શ્રેણી કબ્જે કરવા કોઇ કસર છોડશે નહીં. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer