શ્રેણી હાથમાં રાખવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે

પોર્ટ એલિઝાબેથ, તા. 12 : પાછલી મેચમાં હાર સહન કરનાર ભારતીય ટીમ આવતીકાલ મંગળવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનાર પાંચમી વન-ડેમાં જીત મેળવીને શ્રેણી કબ્જે કરવાના મક્કમ ઇરાદે મેદાને પડશે. છ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 3-1થી આગળ ચાલી રહી છે. એક જીતથી તેનો આફ્રિકાની ધરતી પર પહેલી વાર ઐતિહાસિક શ્રેણીવિજય થઇ શકે છે. સતત ત્રણ જીત બાદ ચોથી વન-ડેમાં આફ્રિકાનો ડકવર્થ લૂઇસ નિયમથી વિજય થયો હતો. ચોથી વન-ડેમાં પહેલી વાર ભારતીય સ્પિન જોડી ચહલ-કુલદીપને નિષ્ફળતા મળી હતી. આમ છતાં આફ્રિકાની બેટિંગ લાઇનઅપ અને ભારતના કલાઇના સ્પિનર વચ્ચેનો મુકાબલો ચાલુ જ છે. જેની અસર પાંચમી વન-ડેમાં પણ જોવા મળી શકે છે. ચોથી વન-ડેમાં ભારતને કેચ છોડવા અને ચહલનો મિલર સામેનો નો-બોલ ભારે પડયો હતો. સુકાની કોહલીની આખરી ઓવરોમાં બુમરાહ અને ભુવનેશ્વરના બદલે ચહલ-કુલદીપને બોલિંગ આપવાની રણનીતિ પણ નિષ્ફળ સાબિત થઇ હતી. પાંચમી મેચની ઇલેવનમાં ભારત ફેરફાર કરી શકે છે. કેદાર જાધવની ફિટનેસ પર પ્રશ્ન થઇ રહ્યા છે. તેના સ્નાયુ ખેંચાઇ ગયા છે જેથી તે ચોથી વન-ડેની પણ બહાર રહ્યો હતો. જાધવના સ્થાને રમેલા યુવા શ્રેયસ અય્યરને ફરી તક મળી શકે છે. સતત નિષ્ફળ જઇ રહેલા રોહિત શર્માને વધુ એક મોકો મળી શકે છે. ભારતની બેટિંગ ફરી એકવાર સુકાની કોહલી અને ઓપનર ધવન પર નિર્ભર રહેશે. બીજી તરફ આફ્રિકાની ટીમ વિજયનો ક્રમ જાળવી રાખીને શ્રેણી જીવંત રાખવા ફરી એકવાર આર યા પારનો મુકાબલો કરશે. આફ્રિકાને તેના સ્ટાર બેટ્સમેન એબી ડિ'વિલિયર્સ પાસેથી એક મોટી ઈનિંગની આશા રહેશે. મેચ 4-30 વાગ્યાથી શરૂ થશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer