કચ્છના ગમખ્વાર અકસ્માતોની તવારીખ

કચ્છના ગમખ્વાર અકસ્માતોની તવારીખ
ભુજ, તા. 15 : કચ્છમાં માર્ગ-અકસ્માતોનો આંક દિનબદિન વધતો જ જતો હોય તેમ દરરોજ અકસ્માતોમાં મહામૂલી જિંદગીઓ કાળનો કોળિયો બની રહી છે અને 2018ના વર્ષના સૌપ્રથમ બનાવ મકરસંક્રાંતિના લોરિયા પાસેના અકસ્માતમાં કારથી કચ્છ ફરવા આવેલા સૌરાષ્ટ્રના નવ નવલોહિયા કાળનો કોળિયો બની જતાં કાળની તવારીખમાં  નોંધાયો છે. કચ્છના માર્ગો રક્તરંજિત બનવાની ગોઝારી તવારીખ?પર નજર કરીએ તે મુજબ 2016ની સાલમાં 26 નવે.ના માતાના મઢના ખંભાત અને મોરબી પંથકના આઠ યાત્રાળુને કાળ ભેટી ગયો હતો. આ બનાવમાં માળિયા-મિંયાણા પાસેના સૂરજબારી પુલ નજીકનો હાઇવે વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો. જ્યારે 16મી ઓગસ્ટના વાગડના રહાડી પાસે કાર પલટતાં ચાર મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં રાધનપુરથી કોઇ કામ અર્થે કારમાં આવેલા ચાર યુવાનો કાળનો કોળિયો બની ગયા હતા. જ્યારે 2016માં જ 29/4ના બાદરગઢ પાસેના જલારામ મંદિર નજીક તૂફાન જીપ અને ડમ્પર સામસામે ભટકાતાં તૂફાનમાં સવાર ચાર લોકોનાં મોત થયા હતા. આ જ વર્ષમાં 18મી એપ્રિલે રવાપર નજીક કાર ઊથલતાં ત્રણ ભૂલકાં સહિત ચારનાં મોત થયાં હતાં. ઉપરાંત 2015ના વર્ષમાં 23મી નવે.ના પાલારા નજીક ઉતારુ જીપ સાથે સામેથી  આવતી પ્રવાસની ખાનગી લકઝરી બસ અથડાતાં જીપમાં સવાર ત્રણ મહિલા સહિત ચાર જણ મોતના મુખમાં ધકેલાયા હતા. જ્યારે 2015ની 8મી ડિસે.ના સામખિયાળી પાસે કાર કન્ટેનરમાં ઘૂસી જતાં અંજારનો વકીલ પરિવાર કાળનો કોળિયો બન્યો હતો, જેમાં પાંચ લોકોના જીવનદીપ બુઝાયા હતા.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer