કોટડા-દુધઇ વચ્ચે કાર પલટી જતાં વડોદરાના વૃદ્ધનું મોત : ચાર ઘવાયા

ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાનાં કોટડા અને દુધઇ?વચ્ચે કાર પલટી જતાં તેમાં સવાર મૂળ વડોદરા હાલે અમેરિકા વસતા મહેન્દ્ર નાનુભાઇ દેસાઇ (ઉ. વ. 76)નું મોત થયું હતું તેમજ અન્ય ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ સામખિયાળીમાં અગાઉ ઘવાયેલા સંતોષ નંદન ગોડ (ઉ. વ. 62) નામના  વુદ્ધે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. અમેરિકામાં વસનાર દેસાઇ પરિવાર વડોદરા આવ્યો હતો અને વડોદરાથી કામ અર્થે ભુજ બાજુ આવી રહ્યો હતો. દરમ્યાન આજે સવારે 6-30ના અરસામાં તેમને કોટડા અને દુધઇ?વચ્ચે અકસ્માત નડયો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇનોવા કાર નંબર જી.જે. 6-એ.એક્સ.-3233વાળી પલટી જતાં તેના સવાર મહેન્દ્ર દેસાઇ નામના વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત થયું હતું. જ્યારે અરુણાબેન મહેન્દ્ર દેસાઇ (ઉ. વ. 73), કિરીટભાઇ દેસાઇ (ઉ. વ. 74), જ્યોતિબેન કિરીટ દેસાઇ (ઉ. વ. 70) અને કારચાલક વિશાલ હરેશ પાટિલ (ઉ. વ. 23)ને ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી બાજુ સામખિયાળીમાં ગત તા. 19-11ના રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં સામખિયાળીમાં રહી ભિક્ષાવૃત્તિ કરનાર સંતોષ?ગોડ જાહેર સ્મશાનગૃહના ઓટલા ઉપર સૂતો હતો, દરમ્યાન ઊંઘમાં તે નીચે પડતાં તેને ગરદનના પાછળના ભાગે ઇજાઓ થઇ હતી. તેને પ્રથમ ભચાઉ અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. 

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer