મતદાન અંગેની દસ્તાવેજી ફિલ્મનું વિમોચન

મતદાન અંગેની દસ્તાવેજી ફિલ્મનું વિમોચન
ભુજ, તા. 22 : ભારતના ચૂંટણીપંચના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા  ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યાન મોહનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી કચ્છની લોકસંસ્કૃતિથી લોકશાહી તરફ મતદાન જાગૃતિ (સ્વીપ) અંગેની 6 મિનિટની ડોકયુમેન્ટ્રી ફિલ્મીનું  જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેકટર રેમ્યા મોહનના હસ્તે વિમોચન કરાયું હતું. ટૂંકી ડોકયુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કરનાર મામલતદાર કચેરી, લખપતના નાયબ મામલતદાર યુવરાજાસિંહ ગોહિલ અને તેમની ટીમના સદસ્ય શૈલેશ પરમાર, એન્કર રોશનીબેન જોશી, હેતલબેન જોશી, સંજય મૈયડ અને વીડિયોગ્રાફર હિતેશ ગોર તથા ગાયિકા ગીતાબેન રબારીના સહયોગથી બનેલી આ શોર્ટ ફિલ્મને કલેકટર રેમ્યા  મોહન, નાયબ કલેકટર નખત્રાણા ડી.આર. ઝાલા અને મામલતદાર-લખપત કચેરીનું માર્ગદર્શન સાંપડયું હોવાનું શ્રી ગોહિલે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની લોકસંસ્કૃતિને સાંકળતી ડોકયુમેન્ટરી ફિલ્મમાં કચ્છની છાપ સમી લોકસંસ્કૃતિનાં દ્રશ્યો કંડારવામાં આવ્યા છે તથા નાનામાં નાનો અદનો માણસ પણ ચૂંટણીમાં મત આપવા અપીલ કરી રહ્યો છે જેમાં કૈયારીના માલધારી સમાજ, જત સમાજ, હિન્દુ, મુસ્લિમ, શીખ, કચ્છ પ્રવાસે આવેલા વિદેશી પ્રવાસીઓ પણ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. કામણગારા કચ્છના વિશ્વ  વિખ્યાત ધોરડો સફેદ રણ, લખપતના છેવાડાના ગામડાઓ, કચ્છના પર્યટન સ્થાળો જેવા કે લખપત કિલ્લો, માતાના મઢ, માંડવી બીચ, સરહદના સંત્રી કોટેશ્વર વગેરે સ્થળોને આ ફિલ્મેમાં આવરી લેવામાં આવ્યા  છે. આ ફિલ્મનો આશય કચ્છની લોકસંસ્કૃતિ દ્વારા કચ્છ  જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધારવાનું છે.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer