20 કલાક મોડી ભુજ-બરેલી 22ને બદલે 23મીએ ઉપડશે

ગાંધીધામ, તા. 22 : કચ્છને ઉત્તર ભારત સાથે જોડતી ભુજ-બરેલી એક્સપ્રેસ મોડી પડવાની રોજ-બરોજની સમસ્યાથી પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આજે આ ટ્રેન 20 કલાક મોડી પડતાં આજના બદલે આવતીકાલે સવારે 11 વાગ્યે તેને ચલાવવા અંગે રેલવે વિભાગે નિર્ણય લીધો હતો. ભુજ-બરેલી એક્સપ્રેસ (વાયા પાલનપુર) ટ્રેન નં. 14322એ વીસ કલાક મોડી પહોંચવાનો વિક્રમ સર્જ્યો હતો. જેના કારણે તા. 22/11ના સાંજે 5 વાગ્યે ઉપડતી આ ટ્રેનને તા. 23/11ના સવારે 11 વાગ્યે ચલાવવામાં આવશે. આ સમસ્યાના કાયમી ઉકેલ અર્થે રેલવે વિભાગ દ્વારા ગત મહિનામાં બંને બાજુએથી ટ્રેનને રદ કરવામાં આવી હતી પરંતુ હજુએ પરિસ્થિતિ જૈસે થે જેવી થતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સંભવત: ડિસેમ્બર મહિનામાં રેલવે વિભાગના જી.એમ. કચ્છની મુલાકાતે આવતા હોવાથી મુંબઇથી આવેલા ચીફ પેસેન્જર ટ્રાન્સપોર્ટ મેનેજર સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીં ઉપસ્થિત છે ત્યારે આ મુશ્કેલીને ધ્યાને   લેવામાં આવે એવી માંગ પ્રવાસી વર્ગે કરી હતી.   

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer