અંજારમાં ટી.પી. 1ના રહેવાસીઓને હજુય સનદ આપવામાં નથી આવી

અંજાર, તા. 22 : શહેરમાં ભૂકંપ બાદ ટાઉન પ્લાનિંગ અમલી બન્યા પછી આજદિન સુધી અમુક અસરગ્રસ્તોને સનદ આપવામાં આવી નથી. ટી.પી. 1ના પરિવારજનોએ રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ સમક્ષ સનદ માટે માગણી કરી હતી. અંજાર તાલુકા કોળી ઠાકોર યુવા વિકાસ મંડળના પ્રમુખ ભરત લાખાએ અગ્રસચિવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમલી બનેલા ટી.પી. 1માં અમારા સમાજના 43 પરિવારોને ગંદા નાબૂદી યોજના નીચે 25 ચો.મી.ના પ્લોટ ફાળવી તેમની હાલની જગ્યા મુક્ત કરવા થયેલા નિર્ણય મુજબ નકશા સહિતના કાગળો અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ તરફથી કાર્યવાહી થયા પછી આજ આઠ વર્ષ થયાં, માપણી સાથે જમીન કબ્જો અને સનદ અપાતા નથી, તેમજ આ જ વિસ્તારમાં ભૂકંપ અગાઉથી    રહેતા અન્ય બાર પરિવારોની હાલત પણ ઉપર આકાશ અને નીચે ધરતી છે. આઠ વર્ષ થયાં ગતિશીલ ગુજરાતનાં લખાતાં સુવાક્ય ફક્ત લખવા-બોલવા સારાં લાગે છે. અમલ કરવાના સમયે બેઘર પરિવારોને કોઇ દાદ-જવાબ મળતા નથી. આ બાબતે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવેલી હોવા છતાં આ બાબતે આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તાકીદે અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ ચૂંટણી અગાઉ સનદો આપે તેવી સૂચના આપવા માગણી કરી, નહિતર મતદાન પર અસર પડશે તેવી ચીમકી આપી હતી.   

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer