માધાપર નજીક પીરની દરગાહની દાનપેટી તોડનારી ટોળી હાથવેંતમાં

ભુજ, તા. 21 : તાલુકાનાં માધાપર ગામ નજીક ધોરીમાર્ગ ઉપર આવેલી ઇબ્રાહીમશા પીરની દરગાહની દાનપેટી તોડનારી તસ્કર ટોળકી કાયદાના રક્ષકોના સકંજાથી હાથવેંત દૂર હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. છથી સાત મહિના પહેલાં થયેલી ધાર્મિક સ્થાનની આ તસ્કરી વિશે ફોજદારી ફરિયાદ દાખલ કરવા સાથે પોલીસે કેસની છાનબીન હાથ ધરી છે.  પોલીસ સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ માધાપર ગામ પાસે ધોરીમાર્ગ ઉપર ભવાની હોટલ સામે આવેલી ઇબ્રાહીમશા પીરની દરગાહ ખાતે છથી સાત મહિના પહેલાં ચોરી થઇ હતી. આ ધાર્મિક સ્થળે તાળું તોડીને દાનપેટીમાંથી રૂા. ત્રણ હજારની રોકડની ચોરી થઇ હતી. આ મામલે માધાપરના ઇરફાન ફકીરમામદ મોગલ દ્વારા આજે માધાપર ગામના જ આમદ ઉર્ફે ભાભુ સિધિક સમા, રશીદ દેશર સમા, ભખર રમજાન સમા અને શકુર કરીમ સમા સામે ફરિયાદ લખાવાઇ હતી.  દરમ્યાન જાણવા મળેલી વિગતો અનુસાર આ ચોરી કરનારી મનાતી ટોળીના એક સભ્યને દબોચી લેવાયો છે. હાલે તેની સઘન પૂછતાછ આરંભાઇ છે. અન્ય સાગરીતોને પણ આગામી કલાકોમાં ઝડપી લેવાય તેવી સંભવનાઓ જોવાઇ રહી છે. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.    

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer