મુંદરા ખાનગી એકમ સામે ગ્રામજનો દ્વારા દેખાવો બાદ થયું સમાધાન

મુંદરા ખાનગી એકમ સામે ગ્રામજનો  દ્વારા દેખાવો બાદ થયું સમાધાન
મુંદરા, તા. 13 : પોતાની વિવિધ માગણીઓને લઈને આજે તાલુકા સ્થિત કાર્યરત સી.જી.પી.એલ. (ટાટા પાવર) કંપની સામેના સ્થાનિકના લોકોના આંદોલનમાં ખાનગી કંપનીના અધિકારીઓ તથા મુંદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં સુખદ સમાધાન થયું હતું. સ્થાનિકના લોકોના 6 પૈકી 5 મુદાની માગણી કંપનીએ સ્વીકારી લીધી હતી અને 10 દિવસમાં પાંચ મુદાનો પ્રશ્ન ઉકેલાઈ જશે. જયારે એક મુદ્દો એ હતો કે, જે કામના ટેન્ડર ભરાય એ ટેન્ડર બધા કોન્ટ્રાકટરોની સામે ખોલવામાં આવે જેથી ખબર પડે કે કોણે શું ભાવ ભર્યા હતા. આ મુદ્દાની ચર્ચા દરમ્યાન કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે અમારા ઉપરી અધિકારીઓ સાથે બેઠક કરીને બાદમાં નિર્ણય લઈશુ. આ મુદ્દે બન્ને પક્ષો સહમત થયા હતા અને કંપનીના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. ટાટા કંપની તરફથી દીપકભાઈ ગઢવી, અનિલસિંઘ તથા ટુંડા ગામના લોકો તરફથી મયૂરભાઈ મહેશ્વરી, પ્રફુલ મોતા, નીતિન કેશવાણી, વસંત બડિયા, રફીક લુહાર, મુસ્તાક કુંભાર, નવીન કેશવાણી, વિજય બડિયા, બુધા રબારી, દીપક બડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer