શું રોજિંદા કામોને પણ આચાર- સંહિતા નડે ? નાગરિકોનો સવાલ

વિથોણ (તા. નખત્રાણા), તા. 13 : આ આચારસંહિતા વળી કઇ બલાનું નામ છે. સરકારી દફ્તરોના કર્મચારીઓને શું આચારસંહિતા નડે છે ? તેવો સવાલ ઊભો થયો હતો. દફ્તરોમાં જાણે રજા હોય તેવું વર્તન થાય છે. કોઇપણ કામ માટે જાવ, એક જ જવાબ મળે છે ચૂંટણી પછી આવજો. હથિયારબંધી લાદવામાં આવે છે પરંતુ દારૂબંધી લાદવામાં આવતી નથી. લોકોના કામ કરવામાં આચારસંહિતા નડે છે. આ તે વળી કેવો કાયદો છે આવા  પ્રશ્નો કચેરીઓના ધક્કા ખાતા લોકો પૂછી રહ્યા છે. ચૂંટણી જાહેર થાય એટલે કચેરીઓના કામકાજ પણ જાણે ઠપ થઇ જાય છે. કર્મચારીઓને જાણે વેકેશન ચાલુ થાય છે. રાશનકાર્ડ, દાખલા અને નામ  સુધારણામાં પણ આચારસંહિતા અવરોધ બની ગઇ?છે. લોકો પૂછે છે કે શું આવો કાયદો છે કે કર્મચારીઓ ખુદ મરજીથી આવું કરે છે ? આચારસંહિતાને કારણે સરકારી દફ્તરોમાં અમુક કર્મચારીઓ માટે જાણે વેકેશન છે પરંતુ નિષ્ઠાવાન  કર્મચારીઓ પોતાની નૈતિક ફરજ સમજીને ખાતાને સમર્પિત રહે છે. છતાં આવા સમયે ચૂંટણીના નામે લોકોને ધરમના ધક્કા ખવડાવતા કર્મચારીઓ ઉપર તપાસ થવી ખૂબ જ જરૂરી છે તેવું ધક્કા ખાતા સામાન્ય નાગરિકોએ ફરિયાદ કરી હતી. રસ્તાઓ રિપેર ન થાય, ખાડા ન પૂરાય, અધૂરાં કામ પણ પૂરાં ન થાય. ખરેખર આચારસંહિતામાં શું શું કરવાનું આવે તેનું તંત્ર?દ્વારા જાહેરનામું બહાર પાડવું જોઇએ. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer