લોકોના કરોડો ઓળવી જનારો ભુજની બાંધકામ પેઢીનો સંચાલક રિમાન્ડમાં

ગાંધીધામ, તા. 13 : આમ આદમીથી શાહુકાર લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા ભુજની બાંધકામ પેઢીના અમદાવાદથી ઝડપાયેલા શખ્સના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ નેશનલ કન્સ્ટ્રક્શન પેઢીના સંચાલક આરોપી રમેશ ખીમજી પટેલ (હાલાઇ) ઇન્ડોનેશિયા જવાની પેરવીમાં હતો ત્યારે અમદાવાદથી તેની ધરપકડ કરાઇ હતી. આજે એ-ડિવિઝન પોલીસે 10 દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં મૂળ ફરિયાદી પરબત જાદવા વરસાણીએ હાઇકોર્ટ મારફત ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. બાદમાં જેના રૂપિયા ફસાયા છે તેવા દોઢસો જેટલા લોકોએ લેખિત ફરિયાદ આપી છે. વધુમાં મળતી વિગતો મુજબ ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ સહિતના કાયદાકીય પગલાં લેવાયા ન હતા. આ મામલે ફરિયાદીના વકીલ એડવોકેટ એસ. ટી. પટેલે વિદેશ મંત્રાલયને દસેક દિવસ પૂર્વે ઇ-મેઇલ કરી ચકચારી કૌભાંડના આરોપી સામે પગલાં ન લેવાતાં હોવા અંગેની જાણકારી આપી હતી અને ધરપકડ માટે કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ કૌભાંડની વધુ વિગતો મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer