મોખાણામાં રૂા. 73 લાખના ખર્ચવાળા 2800 મીટર લંબાઇના રસ્તાનું ખાતમુહૂર્ત
ભુજ, તા. 12 : તાલુકાના મોખાણા (ચોકડી) ખાતે રૂા. 73 લાખના ખર્ચે નિર્માણ થનારા 2800 મીટર લંબાઇના (150 મીટર સી.સી. રોડ)નું ખાતમુહૂર્ત કરતાં સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, ગ્રામ વિસ્તાર આબાદ તો દેશ, રાજ્ય આબદ. તેમના હસ્તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂા. 65 લાખના ખર્ચે આકાર લેનારી કન્યાશાળાના ભવનનું પણ ખાતમુર્હૂત કરાયું હતું. ગ્રામજનો સાથે ગામના ચોરે બેઠકમાં અન્ય રસ્તા, સુવિધા અંગેની રજૂઆતો સાંભળતાં આગામી સમયમાં તે અંગે કારગત નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. પ્રારંભમાં પ્રસંગ પરિચય અને સ્વાગત સરપંચ શામજીભાઇ આહીર તથા ગ્રામજનોએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ હરિભાઇ જાટિયા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બી.આર. જરગેલા, પૂર્વ તા.પં. સદસ્ય હરિભાઇ ગાગલ, માજી જિ.પં. પ્રમુખ જીવા શેઠ, અંજાર તા. યુવા ભાજપના પ્રમુખ રણછોડભાઇ આહીર, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાના શેઠ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.