ગાંધીધામ વિધાનસભા વિસ્તારના વિકાસકામોની પુસ્તિકાનું વિમોચન
ગાંધીધામ, તા. 12 : પ્રદેશ ભાજપની આગેવાની હેઠળ આયોજિત ગૌરવયાત્રા આવતીકાલે તા. 13ના ગાંધીધામ પહોંચશે. આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. ગૌરવયાત્રાનું બપોરે 12 વાગ્યે સામખિયાળી ખાતે 2 વાગ્યે ભચાઉ ખાતે સ્વાગત કરાયા બાદ સાંજે 4 વાગ્યે ગાંધીધામમાં શક્તિનગર ગ્રાઉન્ડ મધ્યે જાહેરસભા યોજાશે. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીર, ઉમા ભારતી, ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુર, યાત્રાના ઇન્ચાર્જ ગોરધનભાઇ ઝડફિયા, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઇ આહીર, ધારાસભ્યો તારાચંદભાઇ છેડા, ડો. નીમાબેન આચાર્ય, પંકજભાઇ મહેતા, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહેશે. ગૌરવયાત્રાનું દીનદયાળ પોર્ટના વહીવટી કાર્યાલય સામેથી યુવા ભાજપના 500 યુવાનો સ્વાગત કરી બાઇક રેલીથી સભા સ્થળે પહોંચશે. ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી સાથે શહેર તાલુકા ભાજપના કાર્યકરો, સુધરાઇ સભ્યોએ તમામ વોર્ડમાં પ્રવાસ કરી લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. યાત્રાના સમારોહ દરમ્યાન વર્ષ 2013થી 2017-18 સુધી પાંચ વર્ષ સુધી ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસકામોના વિસ્તૃત અહેવાલની પુસ્તિકાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરાશે.