સિનુગ્રા ગામ આખું તાવની લપેટમાં
કુલદીપ દવે દ્વારા  ગાંધીધામ, તા. 12 : અંજાર તાલુકાનાં સિનુગ્રા ગામમાં છેલ્લા 15 દિવસથી મોટાભાગના ગ્રામજનો તાવગ્રસ્ત થયા હોવાના અહેવાલ સાંપડયા હતા. આ માટે આરોગ્ય તંત્રે યથાર્થ પ્રયત્ન હાથ?ધર્યા હોવાનું પણ?ગ્રામજનોએ જણાવ્યું હતું. તો બીજી બાજુ અંજાર શહેરના પણ કેટલાક વિસ્તારમાં લોકો તાવની અસર તળે બીમાર પડયા હોવાનું ખાનગી તબીબોની હોસ્પિટલની સ્થિતિ પરથી સપાટી ઉપર આવ્યું હતું. આ વચ્ચે હાલ પરિસ્થિતિ કાબૂ તળે હોવાનો આરોગ્ય તંત્રએ દાવો કર્યો હતો. સિનુગ્રા ગામમાં છેલ્લા લાંબા સમયથી ઘેરઘેર તાવના ખાટલા મંડાયા છે. તેમાંય ગામના ઇન્દિરા આવાસ, ખરવારવાસ તથા જૂનાવાસમાં વધુ લોકોને તાવ આવતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.  પાંચ દિવસથી તાવ અસરગ્રસ્ત ખરવારવાસના નારણભાઇ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની મોટાભાગની શેરીઓના  ઘરોમાં લોકોને તાવ આવ્યો છે, પરંતુ આ માટે આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી છે. ગામની સ્વચ્છતાની કામગીરી અંગે રોષ ઠાલવતાં બલરામભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ગામના 50 ટકા લોકો તાવના ભરડામાં છે તેમજ અંજારની ખાનગી હોસ્પિટલમાં આ ગામના બીમાર દર્દી અચૂકપણે મળશે એવો દાવો તેમણે કર્યો હતો. ગામમાં તાવની બીમારીએ દેખા દીધી હોવાને સમર્થન આપતાં સરપંચ અમૃતાબેન વિસનજી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આરોગ્ય તંત્રની સમયસરની કામગીરીના કારણે રોગચાળો ફેલાતો અટક્યો છે તેમજ ગામમાં સફાઇ અંગેની કામગીરી પણ શરૂ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તા. 25/9થી તા. 11/10 સુધીમાં સિનુગ્રા ગામમાં 21 ટીમોએ બે વખત 1210 ઘરોની 5817 વસ્તીનો સર્વે કરી 4511 પાત્રોમાં મચ્છરના પોરા તપાસવામાં આવ્યા હતા. જેમાં 3 ઘરોમાં મચ્છરના પોરા મળ્યા હતા અને 9 લોકોને તાવ હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન 58 લોકોના લોહીના નમૂના પણ લેવાયા હતા. 324 ઘરોમાં ફોગિંગ કરાયું હતું. લોકજાગૃતિ અર્થે આયોજિત કેમ્પમાં લોકોને જરૂરી માહિતી આપી ચોપાનિયા વિતરણ પણ કરાયા હતા. વિશેષમાં મચ્છરના પોરાઓનો નાશ કરવા માટે પાણી ભરેલા અવાડામાં ગપ્પી માછલીઓ મૂકવામાં આવી હતી. ઐતિહાસિક અંજાર શહેરના કેટલાક વિસ્તારના લોકો તાવની અસર તળે બીમાર થયા હતા. વરદાન હોસ્પિટલના ડો. પ્રજવલ સોરઠિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં 119 જેટલા ડેંગ્યુના દર્દીઓને સારવાર આપી છે. હાલ રોજના સરેરાશ 2થી 3 લોકોને ડેંગ્યુ હોવાનું તપાસમાં બહાર આવે છે. અન્ય ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાતી હોવાનું જાગૃત નાગરિકોએ ઉમેર્યું હતું. તદુપરાંત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાવના દર્દીઓ વધુ આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારિયાએ જણાવ્યું હતું કે, વાતાવરણના બદલાવ સાથે વાયરલ તાવની અસર જોવા મળી રહી છે. તાવગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી સારવાર આપી ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું ઉમેર્યું હતું.