સત્રાંત પરીક્ષા ટાંકણે જ તાલીમ ગોઠવાતાં પ્રા. શિક્ષકો નારાજ
ભુજ, તા. 12 : સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કલસ્ટર કક્ષાની પાંચ દિવસની પ્રા. શિક્ષકોની તાલીમ પરીક્ષા ટાંકણે જ ગોઠવાતાં કચવાટ ફેલાયો છે. પ્રા.શિક્ષકોએ કહ્યું હતું કે, શાળાઓમાં એક બાજુ સત્રાંત પરીક્ષાઓ ચાલુ છે ત્યારે શિક્ષકો સુપરવિઝન તથા પેપર ચકાસણીની કામગીરીમાં રોકાયેલા છે ત્યારે આવા સમયે તાલીમનું આયોજન કરવું ઉચિત નથી ધો. 1થી 8ના શિક્ષકો માટેની આ તાલીમમાં જ્યાં પરીક્ષાઓ ચાલુ છે ત્યાં 50 ટકા શિક્ષકોને શાળામાં તથા 50 ટકા શિક્ષકોને તાલીમમાં જવા સૂચના અપાઇ છે ત્યારે શિક્ષકોમાં પણ અંદરોઅંદર નારાજગી જોવા મળી રહી છે કારણ કે રાજ્ય કક્ષાએથી આ તાલીમનો સમય 11થી 5નો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે શાળાઓમાં પરીક્ષાઓના કારણે હાલ સવારનો સમય છે. તેથી શિક્ષકો તાલીમમાં જવાના બદલે શાળામાં રહેવા આચાર્યેને જણાવી રહ્યા છે.  તાલીમમાં ઓન એર સેશન છે. અને બાયસેગ મારફતે સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર તથા જી.સી.ઇ. આર.ટી.ના નિયામક શિક્ષકોને માર્ગદર્શન આપવાના છે. આ ઉપરાંત તલીમમાં નિષ્ણાતો દ્વારા એન.એ. એસ. તથા એસ.સી.ઇ. પત્રકોની સમપણ આપવાની હોઇ સ્થાનિકે સમયમાં ફેરફાર થઇ શકે  તેમ નથી તેવું શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું  હતું.