અબડાસા સામૂહિક દૂષ્કર્મના વધુ એક આરોપીની વચગાળાની માંગ નામંજૂર
ભુજ, તા. 12 : નલિયા (અબડાસા) સામૂહિક બળાત્કાર સહિતના આરોપો સાથેના ચકચારી મામલામાં આજે કેસના અન્ય એક આરોપી ગાંધીધામ શહેર ભાજપના જે તે સમયના મહામંત્રી ગાવિંદ અર્જુનદાસ પારૂમલાણીની વચગાળાની જામીનની માગણી પણ નામંજૂર કરાઇ હતી.  અત્રેના અધિક સેશન્સ જજ એ.આઇ. રાવલ સમક્ષ પત્નીની બીમારી અને સારવારના કારણો આગળ ધરીને ગાવિંદ પારૂમલાણી માટે 30 દિવસના વચગાળાના જામીન માગવામાં આવ્યા હતા. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળી એવો નિષ્કર્ષ આપ્યો હતો કે સારવાર અને અન્ય આનુસંગીક બાબતો માટે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. આ કામગીરી પરિવારના અન્ય સભ્યો પણ કરાવી શકે તેમ છે. જેથી વચગાળાના જામીન આપી શકાય નહીં. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઇકાલે જ આ કેસના અન્ય એક આરોપી ગાંધીધામના તત્કાલિન નગરસેવક અજિત પારૂમલ રામવાણીની વચગાળાની માગણી પણ આ જ અદાલતે નામંજૂર કરી હતી.