અઠવાડિયા સુધી ઉકળાટ બાદ કચ્છને તાપમાં નોંધપાત્ર રાહત
ભુજ, તા. 12 : કચ્છમાં ચોમેર ઉષ્ણતામાપક પારો નોંધપાત્ર હદ સુધી નીચો જતાં જનજીવને ઉકળાટમાં આશ્વાસનરૂપ રાહત અનુભવી હતી. બીજી તરફ છેલ્લા એકાદ અઠવાડિયા દરમ્યાન તીવ્ર તાપની અસર તળે રવિ પાકને નુકસાન થયું હોવાના વાવડ પણ મળી રહ્યા છે. આજે ચોમાસુ માહોલ સાથે સવાર ઊગી હતી. વિતેલા દિવસો દરમ્યાન 40 ડિગ્રી સેલ્સિયસથી પણ ઊંચા ઉનાળુ તાપમાન સાથે રાજ્યભરમાં સૌથી વધુ તપેલા જિલ્લા મથક ભુજમાં 33.8 ડિગ્રી સેલ્સિયસ સાથે શહેરે તાપમાં સારી એવી રાહત અનુભવી હતી. અલબત્ત હજુ બપોરે બફારો અનુભવાતો હોવાથી કચ્છીઓ હવે હવામાં શિયાળુ શીતળતા ઝંખી રહ્યા છે. કાશ્મીર સહિત ઉત્તરીય ભાગોમાં બરફવર્ષા થયા પછી ઠંડક શરૂ થવાની આશા લોકો માંડી બેઠા છે. દરમ્યાન મોટી વિરાણીથી પ્રતિનિધિના અહેવાલ અનુસાર છેલ્લા એકાદ સપ્તાહ દરમ્યાન વર્તાયેલા તીવ્ર તાપે કપાસ, એરંડા જેવા શિયાળુ પાકોને નુકસાન કર્યું છે. ગત મંગળવારથી શરૂ થયેલા `ચિત્રા ' નક્ષત્રના ઊંચા તાપમાને મગફળી, મગ, ગુવાર, જુવાર જેવા પાકોને પણ નુકસાન કર્યું હોવાથી પેદાશ ધારણા કરતાં ઓછી થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરે છે.