મુંદરાના 12 કરોડની કસ્ટમ?ડયૂટી ચોરી પ્રકરણમાં અમદાવાદના બે શખ્સ ઝડપાયા
ગાંધીધામ, તા. 12 : ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઇ.)એ કચ્છના મુંદરા બંદરે આયાત થયેલા સોપારી અને મરીના જથ્થા ઉપર 12 કરોડની કસ્ટમ ડયૂટી ચોરીના કેસમાં અમદાવાદના બે શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ?ધરી છે. અમદાવાદથી પ્રસિદ્ધ થતા અંગ્રેજી દૈનિકના અહેવાલ પ્રમાણે મુંદરા બંદરે આ જથ્થો ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત કરાયો હતો પરંતુ આયાતકારે ભારત-શ્રીલંકા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો લાભ મેળવવા તેના દસ્તાવેજોમાં આયાત શ્રીલંકાથી બતાવી હતી. ખોટી રીતે શ્રીલંકાથી આયાત બતાવીને આયાતકારોએ રૂા. 12 કરોડની કસ્ટમ ડયૂટી ચોરી કરી હતી. અમદાવાદના આયાતકારો સરફરાઝખાન પઠાણ તથા રૈફુદીન કાદરીની આ મામલે ડી.આર.આઇ.એ ધરપકડ કરી હતી. ડી.આર.આઇ.એ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, કસ્ટમ ડયૂટી ઓળવી જવા આયાતકારોએ ઇન્ડોનેશિયાથી સોપારી તથા વિયેતનામથી મરી વાયા શ્રીલંકા આયાત કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. જો આ સોપારી શ્રીલંકાથી આયાત થાય તો તેના ઉપર કોઇ ડયૂટી નથી જ્યારે ઇન્ડોનેશિયાથી આયાત થાય તો 100 ટકા ડયૂટી લાગે છે. તેવી જ રીતે મરીના જથ્થા ઉપર શ્રીલંકાથી આવે તો 8 ટકા અને વિયેતનામથી આવે તો 70 ટકા ડયૂટી લાગે છે.ઝડપાયેલા બે જણ પૈકી સરફરાઝ પઠાણ વર્ષ 2012માં દાણચોરી સંદર્ભે કોફેપોસા તળે ઝડપાઇ?ચૂક્યો હોવાની માહિતી પણ?ડી.આર.આઇ.એ આપી હતી.