મોખા ટોલ નાકે ખોટા પાસ બનાવી 4.12 લાખની ઉચાપત
ગાંધીધામ, તા. 12 : મુંદરા તાલુકાના મોખા ટોલ નાકા ઉપર ખાનગી કંપનીના કર્મચારીઓએ વાહનોના ખોટા પાસ બનાવી રૂા. 4,12,000ની ઉચાપત, છેતરપિંડી કરતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મોખા ટોલ નાકા ઉપર કોન્ટ્રેક્ટથી કામ કરતી ગોલ્ડન કોબ્રાના મહેશ રાઘુ મરંડે આ જ કંપનીમાં પી.ઓ.એસ. તરીકે કામ કરતા નિખિલ કરશન મરંડ તથા તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ કંપની રિલાયન્સ કંપનીના પેટા કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.  કંપનીમાં કામ કરતા નિખિલ મરંડ અને તેના મળતિયાઓએ રિલાયન્સ કંપનીના જવાબદાર અધિકારીઓની પરવાનગી મેળવ્યા વગર ટ્રકોના પાસની કિંમત રૂા. 100 કરી નાખી હતી. 13,485 પાસની કિંમતમાં ફેરફાર કરી વધારાની કિંમતના રૂા. 4,12,000ની આ શખ્સોએ ઉચાપત, છેતરપિંડી કરી હતી. ગત તા. 5/7 અને 24/7ના આ બનાવને અંજામ આપ્યા બાદ કંપનીને આ પ્રકરણની જાણ થતાં નિખિલ મરંડ કંપની મૂકી ચાલ્યો ગયો હતો. આજે આ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.