અંજાર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ
અંજાર, તા. 12 : અહીંની મામલતદાર કચેરીમાં દલાલ પ્રથા ચાલતી હોવાનો  આક્ષેપ કરીને  તાલુકા કોળી ઠાકોર યુવા વિકાસ મંડળે જાહેર વિતરણ વ્યવસ્થા સુધારવાની માગણી કરી હતી. મંડળના પ્રમુખ ભરતભાઇ લાખાએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, પુરવઠા શાખાના પેંધા પડી ગયેલા કર્મચારીઓ લાંચ વગર કોઇ કામ કરતા નથી, જેના લીધે સામાન્ય અરજદારોને ચાર-ચાર મહિનાઓ સુધી સામાન્ય કામગીરી માટે ધક્કા પડે છે. જ્યારે એ જ કામ દલાલો મારફતે એક દિવસમાં થઇ જાય છે. જેનાથી સાબિત થાય છે કે, ભ્રષ્ટાચારનાં મૂળ કેટલાં ઊંડાં છે. શહેરમાં 16 તથા ગ્રામ્ય વિસ્તારમાં 37 વાજબી ભાવની દુકાનો આવેલી છે. તેમના હસ્તે 50 હજારથી  વધુ રાશનકાર્ડ નોંધાયેલા છે, તેવા રાશનકાર્ડ પૈકી ઘણાને કેરોસીન, ઘઉં, ચોખા મળતા નથી તેમજ વા. ભાવની દુકાનો નિયમિત દિવસના બંને ભાગમાં ખુલ્લી રહેતી નથી. શહેર અને તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થા ઘણા લાંબા સમયથી ખાડે ગઇ છે. બીપીએલ, અંત્યોદય કે અન્ન સુરક્ષા યોજના હેઠળ નોંધાયેલા રાશનકાર્ડધારકોને  તેમના હક્કનો પૂરતો જથ્થો મળતો ન હોવાની વ્યાપક ફરિયાદો છે. તેમજ મ.ભ.યો.ના કેન્દ્રોની જેમ વા. ભાવની દુકાનોની ચકાસણી લાંબા સમયથી થઇ નથી, જેની નિયમોનુસાર તમામ વા. ભાવની દુકાનો તથા મ.ભ.યો. કેન્દ્રની જિલ્લાકક્ષાએથી તપાસણી થવા તથા શિક્ષાત્મક પગલાં ભરવા માગણી કરી હતી. કચેરીમાં આવેલી  ઇ-ધરા શાખામાં જમીન તબદીલી જેવી કે વારસાઇ હક્ક દાખલ, હક્ક કમી, ક્ષતિ સુધારા વિગેરેની કાચી નોંધ મહિનાઓ સુધી દાખલ થતી નથી. તેમજ કાચી નોંધો પ્રમાણિત કરાવવા માટે ચાર-ચાર આંકડાની પ્રસાદી આપવી પડે છે, તેવો પત્રમાં આક્ષેપ કર્યો હતો.