અંજાર-ગાંધીધામની કિંમતી અને મોકાની જમીનો હડપ કરવાનો કારસો બહાર આવ્યો
ગાંધીધામ, તા. 12 : અંજાર અને ગાંધીધામ તાલુકાની કિંમતી  ખેતીની જમીનોના રેકર્ડમાં ચેડા કરી કેટલાક ભ્રષ્ટ તત્ત્વો ભૂમિ હડપ કરતા હોવાનો કિસ્સો બહાર આવતાં આધાર-પુરાવાને ધ્યાને લઇ વિવાદ સચિવ દ્વારા ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અંજાર તાલુકાનાં મેઘપર (બો.)ના રેવન્યૂ-જૂના સર્વે નંબર 160/1 નવા સર્વે નંબર 240 બોરડીવાળી વિસ્તારની જમીન 9 એકર 38 ગુંઠા જે ડોસલ વરજાંગ બોરીચાના નામે હતી. તેમના નિધન પછી પુત્ર કાના ડોસલના નામે તેમની હયાતીમાં થઇ હતી. તેઓએ જમીનનો અમુક હિસ્સો વેચાણ કર્યો હતો. દરમ્યાન થોડા સમય પછી રેવન્યૂ રેકર્ડ તપાસતાં આ પરિવારના નામો ગાયબ થઇ ગયા હતા. રેવન્યૂ રેકર્ડમાં રાયમા જુસબ કેસરના વારસદાર હુસેન જુસબ વગેરે તથા તેના મળતિયા દ્વારા ચેડા કરી જમીન હડપ કરી લેવામાં આવી હોવાનું ધ્યાને જતાં કચ્છ કલેક્ટર પાસે ધા નાખી પણ ન્યાય નહીં મળતાં વિવાદ સચિવ પાસે અરજ કરી હતી. સચિવ વિનય વ્યાસને આ જમીનના રેકર્ડમાં ચેડા?થયા હોવાનું ધ્યાને જતાં તમામ આધારો તપાસીને કચ્છના કલેક્ટર સહિતના અગાઉના હુકમ રદ કર્યા હતા. ફરિયાદીએ આરટીઆઇ મારફતે તમામ રેકર્ડ મેળવીને દાદ માગી હતી. સરકારી દફતરમાં ચેડા કરી આચરવામાં આવેલી ગેરરીતિની સીટ દ્વારા તપાસ કરી ગેરરીતિ આચરનારા તત્ત્વો સામે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો.