નલિયા ગ્રા.પં. દ્વારા મંજૂર કરાયેલું ઊંચા ભાવનું ટેન્ડર નિષેધાત્મક
નલિયા, તા. 12 : અબડાસા તાલુકાની સૌથી મોટી એવી નલિયાની ગ્રામ પંચાયતમાં વિવિધ મુદ્દે ચાલતા વિવાદ અટકવાનું નામ ન લેતાં હોય તેમ તાજેતરમાં કર્મચારીઓની કામગીરી ટેન્ડર પ્રક્રિયાથી કરવા ટેન્ડર બહાર પડાયા પછી ગત તા. 3-10ના ટેન્ડર ખોલી સૌથી નીચા ભાવનું ટેન્ડર મંજૂર કરવાને બદલે ઊંચા ભાવનું ટેન્ડર ઠરાવથી મંજૂર કરાતાં આ ઠરાવને વિકાસ અધિકારી સમક્ષ પડકારવામાં આવતાં તેને પંચાયત ધારાની જોગવાઇ મુજબ તાલુકા વિકાસ અધિકારીએ નિષેધાત્મક કરતાં પંચાયતની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સરકારી પરિપત્ર મુજબ પંચાયતની ઓફિસ સહિતની રોજબરોજની કામગીરી ટેન્ડરથી કરવાના આદેશ પછી તા. 23-9ના ટેન્ડર પ્રસિદ્ધ કરાયું અને તા. 3-10ના આ ટેન્ડરો સભ્યોની રૂબરૂમાં ખોલવામાં આવ્યા.  આ પૂર્વે તા. 27-9 અને તા. 4-10ના ત્રણ સભ્યો પ્રવીણભાઇ બુધિયા ભાનુશાલી, મનજી વી. મહેશ્વરી, રાજાવાઢા વાસંતીબેને લેખિત વાંધો રજૂ કરી રિટેન્ડરિંગની માંગ કરતાં પ્રસિદ્ધ કરાયેલું ટેન્ડર કાયદાકીય રીતે સુસંગત નથી, ખુલ્યા પછી કાયદાકીય ગૂંચવણ ઊભી થવાની શક્યતા દર્શાવી હતી. ટેન્ડર ખુલ્યા પછી બેઠકમાં બે સભ્યો વોકઆઉટ કરી ગયા હતા અને ઊંચા ભાવનું ઓફિસ સ્ટાફનું જાડેજા કનુભા કેસરજીનું ટેન્ડર મંજૂર કરાતાં જેનાં પગલે ગ્રામ પંચાયતને 11 મહિનામાં રૂા. દોઢેક લાખ જેટલો વધુ બોજ વહન કરવો પડે તેવા મુદ્દે અસંતુષ્ટ એવા નીચા ભાવના ટેન્ડરવાળા સુરેશસિંહ દશુભા જાડેજાએ આ હકીકતને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પડકારી હતી.  ટી.ડી.ઓ. લક્ષ્મણભાઇ ચૌહાણે પંચાયત ધારાની કલમ 249 (1) અને સરકારી પરિપત્રોના આધારો ટાંકી ઠરાવ નિષેધાત્મક કર્યો છે.