અબડાસામાં કપાસના ફાલમાં સુકારો ચિંતાજનક
નલિયા, તા. 12 : અબડાસામાં કપાસના ફાલમાં સુકારાનો રોગચાળો મોટાપાયે ફેલાતાં પાક નકામો બની રહ્યો છે. એટલું જ નહીં ગત અતિવૃષ્ટિમાં ઘણા બધા ગામોમાં કપાસના પાકનું ધોવાણ થયા પછી રહ્યા સહ્યા પાક પર સુકારારૂપી આફત ઊતરતાં ખેડૂતો ચિંતાતુર  બન્યા છે. ખેડૂતોના જણાવ્યાનુસાર ગત એપ્રિલથી જૂન દરમ્યાન અબડાસાના પિયત વિસ્તારો 30થી 35 ગામોમાં એક લાખથી વધુ એકર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરાયું હતું. જુલાઇ અને ઓગસ્ટ માસ દરમ્યાન અતિવૃષ્ટિના પગલે ઘણા વિસ્તારોમાં કપાસનો પાક ધોવાઇ?ગયો હતો. બાકી રહેતા પાક પૈકી 40થી 50 ટકા વિસ્તારમાં કપાસના પાકમાં સુકારાનો રોગચાળો લાગુ પડતાં ખેડૂતો બેવડી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તાલુકાના ભાનાડા, પરજાઉ, વાડાપદ્ધર, વાંકુ, નાગોર, કોઠારા વાડીવિસ્તાર, ખીરસરા, ધનાવાડા સહિતના વિસ્તારોમાં કપાસના ફાલ પર સુકારાનો રોગચાળો મોટાપાયે ઘર કરી ગયો છે. આ અંગે ભાનાડા સ્થિત સ્થાનિક ખેડૂત રમજાન નોડેના જણાવ્યાનુસાર ભાનાડા અને આસપાસના વિસ્તારમાં કપાસના ફાલમાં રોગચાળો દેખા દેતાં ફાલ ઓછો ઊતરી રહ્યો છે. એટલું જ નહીં બીજી વીણી ઊતરશે નહીં જેને પગલે ખેડૂતોના ખર્ચ પણ માંડ માંડ?ઊતરે તેવી પરિસ્થિતિ ઊભી થઇ રહી છે.  ખેતીવાડી ખાતું સ્થાનિકે મુલાકાત લઇ?સુકારાના રોગચાળાને કાબૂમાં લેવા ખેડૂતોને માર્ગદર્શન આપે તેવી માગણી ઊઠવા પામી છે.