માંડવીની દિવાળી બજારને રાજકીય `ગ્રહણ'' લાગ્યું
માંડવીની દિવાળી બજારને રાજકીય `ગ્રહણ'' લાગ્યું દેવેન્દ્ર વ્યાસ દ્વારા  માંડવી, તા.12 : દીપ પર્વોને માંડ અઠવાડિયું રહ્યું છે છતાં આ બંદરીય શહેરની બજારોમાં મહદ અંશે સુસ્તી અનુભવાતાં ધંધાર્થીઓમાં ચમક વર્તાતી નથી. નસીબ જોગે સારું વર્ષ છતાં મંદી, નોટબંધી અને જી.એસ.ટી.નો ત્રેવડો માર માર્કેટની રોનકને જફા પહોંચાડી રહ્યો હોવાના ઉધામા સંભળાઈ રહ્યા છે. છેલ્લા દાયકાઓમાં વેપાર વણજ ક્ષેત્રે શહેરની ઈજારાશાહી તોડીને ગ્રામ્ય બજારો સળવળતાં તેની અસર વર્તાઈ રહી છે. સોના-ચાંદીની ખરીદીમાં લાઈનો લાગે ત્યાં માંડ પરચૂરણ ખરીદી છે. મીઠાઈ-ફરસાણના ધંધામાં જ્ઞાતિવાર રાહત ભાવે વિતરણ વ્યવસ્થાએ ભાગ પડાવ્યો છે. રેડીમેઈડ માર્કેટમાં અડધી ચહલ દેખાય છે. ફટાકડા- આતશબાજીનો વેપાર તળિયે બેસી ગયો છે.  આસો માસ ચાલતો હોય ત્યારે દિવાળી આવી રહી હોવાનો ઉત્સાહ ઉપભોક્તાઓ અને ધંધાર્થીઓના ગાલ ઉપર લાલાશ પાથરી દે પરંતુ કોણ જાણે કેમ કહેવાતી નાણાં ભીડે દીપ પર્વોની રોનક ઝાંખી કરી નાખી હોય તેવો માહોલ આંખે ચડી રહ્યો છે. બજારોમાં લટાર મારતાં ધંધો નથી, દિવાળી જેવી કોઈ અનુભૂતિ નથી... ખરીદનાર પાસે મની ક્રાઈસીસ છે... અર્થચક્ર મોટાભાગે જામ થઈ ગયું છે એવા બળાપા ધંધાર્થીઓએ કાઢયા હતા. આનંદદાયક વરસાદને લીધે ખેત પેદાશો વધવાથી વેપારીઓએ આંખમાં આંજેલા સમણાં હજુ સાકાર થવાની વાટ જોઈ રહ્યા છે. અધૂરામાં પૂરું દિવાળી ટાંકણે કાળઝાળ ગરમી- તાપે કલ્પનાતીત ઋતુ ચક્રમાં બદલાવે વેપાર-ધંધાને અસર કરી હોવાનું પણ સાંભળવા મળ્યું હતું. ખુશનુમા આબોહવા માટે જાણીતા આ શહેરમાં આગ ઓકતી લૂ તોબા કરાવી રહી છે.  અહીંની ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડ.ના પ્રમુખ વાડીલાલ દોશીએ શહેરની માર્કેટની તાસીર વર્ણવતાં કહ્યું હતું કે બજારમાં ચહલપહલ વર્તાય છે પરંતુ ઘરાકી- ખરીદી અડધી પણ નથી.  શહેરમાં નાની-મોટી રેડીમેઈડની દુકાનોની સંખ્યા 250 આસપાસ છે. કાપડના ધંધાર્થીઓ 85 જેટલા છે. કટલેરીની 25-30 દુકાનો છે. મોટાભાગે ધંધો નામપૂરતો હોવાનો ઉધામો- ઉદ્દગાર છે. નોટબંધીને પરિણામે છૂટા હાથ બંધાઈ ગયા છે. મધ્યમ વર્ગના નાણાં બેંક ખાતાઓમાં સરકી ગયાં છે. પૈસો (નાણું) ફરતો અટકી જતાં સીધી અને આડકતરી આર્થિક આડઅસરે વેપારને ગુંગળાવ્યો હોવાની રાડ છે. મંદીની માઠી અસર છે.  જી.એસ.ટી.ને લીધે પણ દિવાળીનો ઝગમગાટ સુષ્ક બન્યો છે. જી.એસ.ટી.ના સ્લેબમાં હકારાત્મક સુધારાઓ દૂરંગામી પ્રોત્સાહક નીવડે તોય દિવાળીના પર્વો ગ્રહણમુક્ત નથી. જી.એસ.ટી. સ્લેબમાં બદલાવ લાભદાયી હોવા છતાં કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ત્વરિત સુધારા લાવવામાં ધંધાર્થીઓ મુંઝાય છે.  સાંજ-સવાર બજારમાં લટાર મારવા- ટહેલવા નીકળતા નાગરિકોને ઘરાકી તરીકે મૂલવવામાં થાપ ખવાશે એવી વાત મુખ્ય બજારોમાં સંભળાઈ હતી. સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા કસબી- કારીગરોના વર્તુળોએ ધંધો નથી એવો આર્તનાદ આગળ કર્યો હતો. પોણો કિલો- કિલો પીળો માલ ગલામાં ઘાટ માટે પડયો રહેતો તેની જગ્યાએ ખાના ખાલીખમ છે એવું બુલિયન માર્કેટમાંથી જાણવા મળ્યું હતું. બ્રાન્ડેડ રેડીમેઈડના વેપારીઓ ચંદ્રેશ શાંતિલાલ ગણાત્રા અને દર્શન ઈશ્વરલાલ શાહે વર્તારો વર્ણવતાં જણાવ્યું હતું તે પ્રમાણે ખરીદશક્તિની સંકડાશને લીધે ઘરાક ખપપૂરતું અને આવશ્યક હોય તેથી વધુ ખરીદી નથી કરતો. વધુમાં વિવિધ સમાજો દ્વારા રાહત ભાવે વિતરણના નામે પ્રવેશ થવાથી મહદ્ અંશે ખાણી-પીણી, વત્રો, આતશબાજીના ધંધા સ્થળો લપેટમાં આવ્યા છે. બિઝનેસમેન (વેપારી)થી બિઝનેશમેનની સર્કિટમાં બિઝનેશ મેનથી ઉપભોક્તાનો ચકરાવો ચાલુ થતાં માર્કેટ ઉપર નોંધપાત્ર અસર વર્તાય- વર્તાઈ છે. નાની અને ગરીબડી જ્ઞાતિઓ સિવાય મોટેભાગે  જ્ઞાતિ- મંડળો- સમાજો મીઠાઈ - ફરસાણ-ફટાકડા માટેના (રાહત દરે) વિતરણ સ્ટોલો ખોલતાં તેવા ધંધાર્થીઓના `ગલા' (થડા)ને ઈફેક્ટ થાય તે સ્વાભાવિક છે. શહેરમાં ફટાકડાના લાયસન્સદાર વેપારીઓની સંખ્યા ચાર-પાંચ હશે. આ ઉપરાંત એ ક્ષેત્રે નસીબ અજમાવનારાઓ બીજા 15-20 હોવાનો અંદાજ છે. ફટાકડાના વેપારીઓ સંદીપ ચંદ્રકાન્ત સેજપાલ અને રોહિત ઝિંઝુવાડિયાએ મંદીમાં ખૂબ માઠી હોવાનું કહ્યું હતું. માંડ 25-30 ટકા ધંધો નસીબ છે. સ્વદેશી માલના આહલેકની અસર રૂપે ચાઈનીઝ  આતશબાજીની આભડછેટનો દાવો કરાયો છે.   બુલિયન બજારમાંથી પ્રમુખ દિનેશકુમાર લક્ષ્મીદાસ સોનીએ અસ્થાયી ભાવો, ખરીદશક્તિની મર્યાદા, જી.એસ.ટી., નોટબંધી સહિતના પરિબળોએ દિવાળીની ઘરાકીને મોટી અસર કરી હોવાનું જણાવ્યું હતું. ધનતેરસ જેવા સુકનવંતા દિવસે નામપૂરતી પરચૂરણ ઘરાકી થાય તેથી વધુ અપેક્ષા નથી. આમ છતાં કૃષિ પેદાશો બજારમાં આવતાં ખેડૂતોના નાણાં છૂટાં થાય અને આખરી ચરણમાં ધંધાના નસીબ (કિસ્મત) ન્યાલ થાય તો ભયો, ભયો! ફૂટવેરના નીરવ સુરેશ ઠક્કરે માર્કેટ ઉપર મંદી- નાણાં ભીડની વ્યાપક (આડ) અસર આગળ ધરતાં  કહ્યું હતુ કે, ઓનલાઈન ખરીદીનું ચલણ વધતાં તમામ વેપાર- વણજમાં અસર પહોંચી છે. ટેલરિંગ વ્યવસાયના જગદીશ દયારામ ચાવડાએ સિલાઈ કામમાં ફૂરસદ ન હોવાનું કહ્યું હતું. કાગદીના મોટા ધંધાર્થી અને પાંચેક પેઢીઓથી પ્રતિષ્ઠા પ્રાપ્ત અશ્વિનભાઈ કાગદી (મણિયાર)એ ઓનલાઈન નાણાંકીય વ્યવહાર, કોમ્પ્યુટર હિસાબો વગેરેને લીધે દેશી ચોપડાની ખરીદી દિવસો દિવસ બેસતી જતી હોવા છતાં દેશ-વિદેશમાં ડટ્ટાની માંગ બરકરાર હોવાની વિગતો આપી હતી. દરમ્યાન દિવાળીના અંતિમ ચરણમાં તળિયે બેઠેલો ધંધો થોડો-ઘણો સળવળે એવો આશાવાદ અરમાનોને બરકરાર રાખી રહ્યો છે.