ડુંગળીમાં માલની અછતે ભાવમાં ફરી ઉછાળો
વિરાણી મોટી, તા. 12 : ગરીબ શ્રમજીવી વર્ગના રોજબરોજના ભાણામાં પીરસાતી ગરીબની કસ્તૂરી (ડુંગળી)ના ભાવમાં સિઝનના ભાવથી ત્રણ ઘણો વધારો એટલે કે 10 રૂા.ના ભાવે વેચાતી ડુંગળીના વર્તમાન 30 રૂા.ના ભાવને આંબી જતાં વપરાશકારોમાં ચિંતા વધી છે. ભાવવધારા પાછળનું કારણ દર્શાવતાં જિલ્લા મથક ભુજ જથ્થાબંધ બજારના વેપારીઓના જણાવ્યા મુજબ ડુંગળી ઉત્પાદનનું મોટું ક્ષેત્ર એવા મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં પાછોતરા ભારે વરસાદના કારણે  પાકનું ધોવાણ થઇ ગયું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ અને ઓછા વાવેતરના કારણે પાકમાં વિલંબ અને જૂના માલની અછત વચ્ચે ભાવમાં ઉછાળો આવ્યો છે. વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ દિવાળી પછી નવેમ્બર માસમાં નવા માલની આવકો શરૂ થયે ભાવ ઘટશે તેવી સંભાવના છે. રોટલો, છાસ સાથે ડુંગળીનો દડો આરોગી ટંક ટાળી આનંદ માણતા ગરીબ શ્રમજીવી વર્ગ માટે ડુંગળીના ભાવ વધારાથી ચિંતા વ્યાપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ચૂંટણીઓના દિવસોમાં ડુંગળીના ભાવોમાં તેજી વર્તાઇ હતી, ત્યારે આગામી ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ડુંગળીએ ભાવ વધારાની પરંપરા જાળવી રાખવામાં ચૂકી નથી.