રાપરની કથ્થડધાર વાંઢમાં પાણીની સુવિધા નથી, શૌચાલય શું કામના ?
રાપર, તા. 12 : અહીંની કથ્થડધાર વાંઢમાં શુદ્ધ પીવાનું પાણી ન અપાતાં મહિલાઓ અને કિશોરીઓને વાડી વિસ્તારમાં ભટકવું પડે છે. આથી હંગામી ધોરણે મીઠા પાણીનું ટેન્કર મોકલવા રહેવાસીઓના સંગઠને માંગ કરી હતી. આ વિસ્તારમાં ગરીબ પરિવારો વાઝા, પારકરા, કોલી, દેશી કોલી, દેવીપૂજક, મુસ્લિમ અને ભરવાડ જ્ઞાતિઓ છૂટક મજૂરી કરી પેટીયું રળે છે. તંત્રને રજૂઆત કરતાં 11 વર્ષથી એક જ જવાબ મળે છે  નર્મદા લાઇન નાખી છે, ટાંકો બનાવ્યો છે, પણ પ્રશ્ન ઉકેલાતો નથી. સ્વચ્છતા અભિયાનમાં શુદ્ધ પાણી પીવું, બાળકોને નવડાવીને નિશાળે મૂકવા જણાવાય છે. રાપર નગરસેવા સદન દ્વારા શૌચાલય બનાવાયા છે પણ પીવાના પાણીની જ સુવિધા નથી ત્યાં શૌચાલય શું કામના એવો સવાલ ઘર અધિકાર સંગઠન કથ્થડધારના 30 જેટલી સહી સાથે રાપરના મુખ્ય અધિકારીને રજૂઆત કરાઇ હતી.