રૂકમાવતીને કાંઠે વસ્યું જામથડા ગામ
રૂકમાવતીને કાંઠે વસ્યું જામથડા ગામ નરેશ અંતાણી  કચ્છના લીલા અને સમૃદ્ધ એવા માંડવી તાલુકાના ગામો પણ સંપન્ન છે. એવું જ સંપન્ન ગામ રામપર વેકરાની નજીક આવેલું જામથડા ગામ પોતાનો આગવો ઈતિહાસ ધરાવે છે. મૂળે ગઢવી અને વણકરોની વસ્તી ધરાવતા આ ગામમાં પાટીદારોએ પણ પાછળથી આવીને નવા જામથડાની રચના કરી તેની પણ રોચક વાત છે. જામથડા ગામ ભુજથી માંડવી વાયા ગઢશીશા જતા માર્ગમાં રામપર-વેકરાની પાસે રૂકમાવતી નદીના કિનારે આવ્યું છે. ગામની સ્થાપનાનો ઈતિહાસ લેખિત સ્વરૂપમાં તો મળતો નથી પરંતુ ગામની મુખ્ય વસ્તી ધરાવતા રોહડિયા વંશના ગઢવી સમાજની વંશાવલિ જ ગામનો ઈતિહાસ કહે છે, એ પ્રમાણે દશોંદી ચારણના ચંદ્રચુડની સાતમી પેઢીએ થયેલા રોહડેન્દ્ર ઉપરથી રોહડિયા વંશની સ્થાપના કરાઈ. આ રોહડિયા વંશના સંત ઈશ્વરદાસજીના ભાઈ રાંદાજીના પુત્ર હેમરાજજીએ સંવત 1772માં મારવાડના ભાદ્રેશ ગામમાંથી કચ્છમાં આવી જામથડા વસાવ્યું અને ત્યારથી ગઢવીઓની વસતી આ ગામમાં આવી વસી. જો કે ગામનાં નામ જામથડા અંગે એવી કિવદંતી જાણવા મળે છે. કચ્છના જામ વંશના કોઈ રાજાએ પોતાનું થાણું (થડો) અહીં સ્થાપ્યું હતું. તેથી જામનો થડો ઉપરથી જામથડા થયું હોવાનું મનાય છે. જો આ વાત સત્ય હોય તો ગામની સ્થાપના સંવત 1772થી પણ અગાઉ થઈ હોવાનું માનવું પડે. વળી ગામના વડીલો પણ ગામ 600-700 વર્ષ જૂનું હોવાનું કહે છે એથી શક્ય છે કે, રોહડિયા ગઢવીઓના આગમન પહેલાં નાનો કસબો હોય અને એમના આગમન પછી વ્યવસ્થિત ગામની રચના કરાઈ હોય. ગામના પૂર્વ સરપંચ શંભુદાનભાઈ ગઢવી તથા વર્તમાન સરપંચના ચાર્જમાં રહેલા ઉપસરપંચ વર્ષાબહેન ગઢવીએ આપેલી વિગતો મુજબ મૂળ જામથડાની વસ્તી 800ની છે અને બાજુમાં વસેલા પાટીદારોની વસ્તી ધરાવતા નવા જામથડા સહિતની કુલ્લ વસ્તી 1200ની છે. જામથડામાં ગઢવી અને વણકર પરિવારોની મૂળ વસ્તી છે. ઉપરાંત અતીત અને સંઘાર જ્ઞાતિના પણ કેટલાક પરિવારો વસે છે. જામથડા ગ્રુપ પંચાયતમાં નવા-જૂના જામથડા ઉપરાંત અજાપર, નાભોઈ અને વિંગરિયા ગામોનો સમાવેશ થાય છે. ગામમાં અગાઉ ખોજા પરિવારો પણ વસતા તેથી અહીં ખોજા ફળિયો અસ્તિત્વ ધરાવે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઉપરાંત વણકર પરિવારો વણાટનું કાર્ય પણ કરે છે. જો કે ગામના યુવાનો હવે અન્ય વ્યવસાય તરફ પણ વળ્યા છે. પશુપાલનનો વ્યવસાય પણ કેટલાક પરિવારો સંભાળે છે.  પાણી યોજના :  જામથડા ગામની સુખાકારીની વાત કરીએ તો આમ તો રામપર-વેકરા નજીકમાં હોઈ અન્ય સગવડો સુલભ રહે છે. પાણી યોજના અંગે વિગતો આપતાં શંભુદાનભાઈ કહે છે કે, પાણી પુરવઠા વિભાગનો બોર ચાલુ છે જેમાંથી ઘરેઘર નળ વાટે પાણી પહોંચાડાય છે. નર્મદા યોજનાની લાઈન ગામ સુધી આવી છે. પરંતુ બોરની સુવિધા સુચારૂ રીતે ચાલે છે. તેની સામે નર્મદાનું પાણી સરવાળે મોંઘું પડે તેમ હોઈ તેનો લાભ હાલ લીધો નથી. અનંતસાગર ડેમ : સિંચાઈ માટેનાં પાણી અંગેની વાત છેડતાં તેમણે જણાવ્યું કે, ગામની પશ્ચિમે એક જૂનો ડેમ છે. પરંતુ ડેમના પાણીની આવના માર્ગમાં ચેકડેમો તૈયાર થતાં ડેમમાં પાણીની આવક ઘટી જતાં ડેમ ખાલી જ રહેવા પામતો હતો. આથી સ્વ. અનંતભાઈ દવે તથા ગામના મોવડી અને જાણીતા પત્રકાર સ્વ. મહેશદાન ગઢવીના પ્રયાસોથી ગામની ઉત્તર દિશામાં 21 ફૂટનો એક નવો ડેમ તૈયાર કરાયો છે અને આ ડેમ સાધારણ વરસાદમાં પણ ભરાઈ જાય છે. વળી આ ડેમની રચના એવી વિશિષ્ટ રીતે કરાઈ છે કે જૂના ડેમને પણ લિંક કેનાલ વડે નવા ડેમ સાથે જોડી દેવાયો છે. આથી નવો ડેમ છલકાય તેનું પાણી જૂના ડેમમાં જાય છે. આથી જૂનો ડેમ પણ ભરી શકાય છે. આ યોજના ગામની ખેતી માટે આશીર્વાદ સમાન બની છે. ડેમનો ખર્ચ જે-તે સમયે જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી કરાયો હતો. આ ડેમ સ્વ. અનંતભાઈ દવેની દીર્ઘદૃષ્ટિ તથા પ્રયત્નોથી તૈયાર કરાયો હોઈ તેને અનંતસાગર ડેમ એવું નામકરણ કરવામાં આવ્યું હતું. ગામમાં ઘેરઘેર ગટર યોજનાનું જોડાણ છે અને પ્રત્યેક ઘર શૌચાલય ધરાવે છે. શિક્ષણ તથા આરોગ્યની રીતે ગામમાં હાલે કોઈ પ્રશ્ન નથી. કેમ કે ગામમાં ધો. 8 સુધી પ્રાથમિક શાળા છે. આંગણવાડી છે. ધો. 8 પછી વિદ્યાર્થીઓ ગઢશીશા કે દહીંસરા અભ્યાસ માટે જાય છે તથા કોલેજકક્ષાનો અભ્યાસ માંડવી કે ભુજમાં મેળવે છે. નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરશડીમાં છે તથા પશુઓ માટેનું દવાખાનું ગઢશીશામાં છે. જેથી પ્રાથમિક સારવાર મળી રહે છે. વધુ સારવાર માટે દહીંસરા, માંડવી કે ભુજ જવું પડે છે. નવા-જૂના જામથડા ગામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવાય એવી માંગ પણ ગામલોકો કરે છે. ગામમાં વસતા પરિવારો માટે આસ્થાના સ્થાનો પણ ગામમાં છે. તેની વાત કરીએ તો ગામમાં ચામુંડા માતા, આઈ દેવલમા, શંકર મંદિર, વાંકોલ માતાનું મંદિર, હનુમાન મંદિર, યક્ષનો થડો તથા કેટલાય સુરાપુરાના પાળિયાઓ છે જે ગામના અતીતને ઉજાગર કરે છે. આ ઉપરાંત કચ્છમાં કેટલેક સ્થળે જ જોવા મળતા શૈવમઠના ખંડેર પણ આ ગામમાં છે. તો ગામમાં સૌથી પ્રાચીન મનાતું પૌરાણિક પશ્ચિમાભિમુખ પુંગારેશ્વર મહાદેવનું મંદિર પણ છે. અહીં શ્રાવણ મહિનામાં આસપાસના ગામના લોકો આવે છે. આ ગામના જૂની પેઢીના વડીલ ડો. પી.બી. ગઢવીએ પાંચાડામાં આરોગ્યસેવા બજાવેલી તો સ્વ. મહેશદાનજી જેઓ `કચ્છમિત્ર'ના પત્રકાર હતા ગામના માર્ગદર્શક પણ હતા. જે જામથડા ગામના પનોતાપુત્ર હતા. આજે ઈન્ડિયન નેવી કમાન્ડર જવું ઉચ્ચ પદ ધરાવતા કિરીટદાન તથા તેમના પુત્ર ભૂમિતદાન પણ ઈન્ડિયન નેવીમાં જ લેફ્ટનન્ટનો હોદ્દો ધરાવે છે. તો ગામ પુત્રી માલાબેન ગઢવીએ એમ.બી.બી.એસ.ની સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે તેમજ ગામના યુવાનોમાં જિગરદાન કંપની સેક્રેટરી, ભૂમિતદાન બી.એસ.એફ., ગિરધરદાન, એસ.આર.પી.માં સેવા બજાવે છે.  ગામમાં કેટલાક ખોજા પરિવારો પણ અગાઉ વસ્તા હતા જે સમયાંતરે ભુજમાં વસી ગયા. ગામમાં વસતા વણકર પરિવારોની વસ્તીની વિગત મેળવતાં શામજી ભોવા વણકર તથા દિનેશ વાલજી વણકરે જાણકારી આપી તે પ્રમાણે કચ્છમાં ભુજોડી અને સરલી પછી સૌથી વધુ વણકરોની વસ્તી જામથડામાં છે. ગામમાં 70 વણકર પરિવારો વસે છે. જે હાથસાળ પર શાલ, સાડી, દુપટ્ટા, સ્ટોલ વગેરેનું વણાટકામ કરે છે. 70 પરિવારો પૈકી 50 પરિવારો પોતાની હાથસાળ ધરાવે છે. ગામમાં માલ તૈયાર કરાયા પછી ભુજ કે અન્ય શહેરોમાં વેચાણ માટે મોકલે છે. ખમીર સંસ્થા પણ અહીંના વણકરોને કામ આપે છે. વણકર પરિવારોને નડતી સમસ્યા અંગે વાત કરતાં એમણે કહ્યું કે, ભારત સરકારના હસ્તકલા નિગમ તરફથી અહીંના હસ્તકલા કારીગરોને ઓળખકાર્ડ આપ્યા નથી. જેથી પ્રદર્શનો તથા અન્ય સ્થળોએ કારીગર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરવામાં મુશ્કેલી નડે છે. લોન વગેરે મેળવવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ તેમણે કરી હતી. ગામને નડતી કેટલીક સમસ્યાઓની વાત કરતાં શંભુદાનભાઈએ કહ્યું કે, ગામની પ્રમુખ સમસ્યા એ છે કે હવે ગામનો વિસ્તાર શક્ય નથી કારણ કે ગામની સમતળ જમીન જ નથી. એકતરફ ડુંગરાળ જમીન બીજી તરફ નદી તથા બાકી ખાનગી ખેતીની જમીનો કારણે ગામની સીમતળ જમીન નથી. ગામનું સ્મશાન અતિ જર્જરિત છે. ગમે ત્યારે પડે તેવી દશામાં છે. જેથી તેનું પુન: નિર્માણ કરવું જરૂરી છે. જામથડા-લુડવા રોડ ખૂબ જ જર્જરિત છે. તે નવો બનાવવો જરૂરી છે. તો ગામને મળતી બસસુવિધા પણ ખૂબ જ અપૂરતી છે. ગામની અંદર માત્ર એક જ બસ આવે છે, જે પણ કસમયની છે. ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 3-4 કિલોમીટર ચાલીને માંડવી-ભુજ રાજ્ય માર્ગ પર જવું પડે છે. ત્યાંથી બસ પકડવી પડે છે. આથી યોગ્ય સમયે ગામની અંદર ભુજ તથા માંડવી જવા-આવવાની બસ સુવિધા વધારવાની આવશ્યકતા છે. ગામમાં અગાઉ સોલાર લાઈટો લગાવાઈ હતી. પરંતુ તે બંધ પડી ગયા પછી ગામમાં સ્ટ્રીટ લાઈટો છે જ નહીં. તે સ્ટ્રીટ લાઈટ લગાવવી અતિ જરૂરી હોવાની પણ તેમણે રજૂઆત કરી હતી. ગામના ગૌચર માટે ગામ લોકોએ એક ખાસ સમિતિની રચના કરી છે. દરેક પશુપાલક અમુક રકમ આપે તે રકમમાંથી ઘાસચારો ખરીદી પશુઓને ચારો અપાય છે. પણ ઘાસચારાને સંગ્રહવા માટે ગોડાઉન નથી. તે સરકારને અન્ય કોઈ સંસ્થા કે દાતાઓ એના માટે આગળ આવે તો સુગમ પડે એમ છે. કેમ કે સમિતિ પાસે બે લાખનું ભંડોળ છે જે ઉનાળામાં ઘાસચારો ખરીદવા જરૂર પડે તેમ છે. ગામના વિકાસ તથા સમસ્યાઓના નિવારણ માટે જામથડા યુવક મંડળની રચના કરવામાં આવી છે. આ મંડળમાં સાત્ત્વિકદાન ગઢવી, ધનસુખદાન ગઢવી, મયૂરદાન ગઢવી, પ્રતીકદાન, કપિલદાન વગેરે સેવા બજાવે છે. જામથડા ગામની મુલાકાત સમયે સાત્ત્વિકદાન ગઢવી, રતનદાન, રવિદાન, ભરતદાન તથા અમદાન ગઢવીએ સાથે રહી પૂરક વિગતો પૂરી પાડી હતી. 

ત્રણ પરિવારે વસાવ્યું નવું જામથડા  જૂના જામથડાથી મુખ્ય રાજ્યમાર્ગ તરફ જતાં એક કિલોમીટરને અંતરે નવું જામથડા ગામ વસ્યું છે. આ નવા જામથડાની રચનાનો પણ રોચક ઈતિહાસ છે. ત્રણ પાટીદાર પરિવારોએ આ ગામ વસાવ્યું છે. નવા જામથડાની સ્થાપનાની વિગતો એવી છે કે, લુડવાના પાટીદાર પરિવારો ગામ નજીકની વાડીમાં રહેતા હતા. પરંતુ વાડીમાં પાણી ખૂટતાં જૂના જામથડાથી આગળ સંવત 2023 ઈ.સ. 1967માં શિવજીભાઈ છાભૈયા, કરમશીભાઈ ધોળુ તથા દેવજીભાઈ રામાણીએ સંયુક્ત રીતે એક ખેતર ખરીદ્યું અને અહીં પદ્ધતિસરના પ્લોટ પાડી રીતસરનું ગામ વસાવ્યું. જે નવા જામથડા તરીકે ઓળખાયું. આ ગામમાં ત્રણ જ પરિવારનો વંશવેલો વધતો ગયો જે આજે પણ આ ગામમાં ત્રણ જ પરિવારોના 60થી 65 પરિવારો વસે છે. જેમાંથી 20 જેટલા પરિવારો વ્યવસાય અર્થે બૃહદ કચ્છમાં વસ્યા છે. પણ ગામમાં તેમના મકાનો છે. આ પાટીદાર પરિવારો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે.  ગામની સ્થાપના પછી ગામમાં લક્ષ્મીનારાયણનું મંદિર, હનુમાનનું મંદિર, પાટીદાર સમાજવાડીનું નિર્માણ કરાયું જેમાં સમાજના શુભ પ્રસંગો ઊજવાય છે. ગામમાં તળાવ, માર્ગો, સીસી રોડ કરવાની યોજના છે. જે પૂર્ણ થતાં તમામ માર્ગો સાફ- સુથરા બની જશે. ઘર વપરાશ માટે વીજળી 24 કલાક મળે છે. પરંતુ ખેતી માટે આઠ કલાક મળે છે જે દશ કલાક મળે તો ખેતીના વ્યવસાય માટે ઉપયોગી બને તેમ છે. નવા જામથડા અંગેની વિગતો આપતાં પાટીદાર સમાજના પ્રમુખ સોમજીભાઈ ધોળુ તથા કેશવજીભાઈ ધોળુએ જણાવ્યું કે, ગામમાં મહિલાઓ સંપાદિત ડેરીમાં રોજનું 600 લિટર દૂધ એકત્ર કરવામાં આવે છે. જે સરહદ ડેરી સાથે જોડાયેલા છે. ગામમાં પ્રાથમિક શાળા-આંગણવાડી છે. એસ.ટી. બસની સુવિધા મુખ્ય રાજ્યમાર્ગ પર જતાં સુંદર રીતે મળી રહે છે.