કચ્છમાં પણ 8500 પ્રા. શિક્ષકોએ `કાળી પટ્ટી'' સાથે બજાવી ફરજ
ભુજ, તા. 12 : ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષકોના 12 પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીને 10 ઓક્ટોબર સુધી આખરીનામું અપાયું હતું, પરંતુ આ બાબતે કાર્યવાહી ન થતાં રાજ્યસંઘના એલાન મુજબ આંદાલન કાર્યક્રમની આજે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શરૂઆત થઇ હતી. સરહદી કચ્છ જિલ્લામાં પણ રાજ્ય સંઘ તથા જિલ્લા શિક્ષક સમાજના આદેશ અનુસાર આજે આંદોલનના પ્રથમ ચરણમાં તા. 11/10થી 14/10 સુધી તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાની શરૂઆત કરી હતી. ભુજની જયનગર પ્રા. શાળા ખાતેથી રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના ઉપપ્રમુખ?ધીરજ ઠક્કર, રશ્મિકાંત ઠક્કર, ભુજ તાલુકા યુનિટના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી ઘનશ્યામસિંહ જાડેજા તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર હરિભા સોઢાએ આંદોલન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા તથા મહામંત્રી ભૂપેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ચાર દિવસ સુધી તમામ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. તા. 14/10ના દરેક પ્રા. શાળાઓમાં એસ.એમ.સી. તથા વાલી મિટીંગનું આયોજન કરી ઠરાવો મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને મોકલાવાશે તેમજ 15મીના અમદાવાદ ખાતે શિક્ષકોની વિશાળ રેલીનું આયોજન પણ કરાયું છે.