હડતાળને પગલે ઠપ થયેલી 108ને દોડતી કરવા પ્રયાસો

ભુજ, તા. 11 : કચ્છમાં 108ના કેટલાક કર્મચારી પણ હડતાળમાં જોડાતાં એમ્બ્યુલન્સોને દવાખાનાના બદલે પોલીસ મથકોએ રખાઇ છે. નવ ચાલુ હતી, આજે વધુ આઠ શરૂ કરી શકાઇ છે. જિલ્લા કલેક્ટરના આદેશને  પગલે આવતીકાલે સીએચસી, પીએચસીના નર્સિંગ સ્ટાફ અને ડ્રાઇવર ફાળવાઇ જશે તો તમામ દોડતી કરી શકાશે તેવો 108ના જિલ્લા અધિકારીએ વિશ્વાસ દર્શાવ્યો હતો. જીપીકે ઇએમઆરઆઇ-108 એમ્બ્યુલન્સના ભુજ સ્થિત વડા જયેશભાઇ કારેણાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા પંચાયતને સ્ટાફનો સહયોગ આપવા આદેશ કરાયો છે. ઉપરાંત બીજો આદેશ કરાયો છે કે, હડતાળમાં ઊતરેલા કર્મચારીઓ 108 બંધ ન કરાવે, નોકરી પર છે. તેમને અને સરકારી સ્ટાફ, દર્દીની સલામતી માટે જરૂરિયાત મુજબ એમ્બ્યુલન્સમાં પોલીસ રક્ષણ આપવા પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષકો દ્વારા આદેશ કરાયા છે. હડતાળ ઉપર ઊતરેલા કર્મચારીઓ ઉપર એસ્મા કાયદા મુજબ કાનૂની પ્રક્રિયા થશે. ગાંધીનગર ખાતે ગઇકાલે બેઠક યોજાઇ હતી. પણ સમાધાન થયું નહોતું. કચ્છથી કેટલાક કર્મચારી સુરત ગયા છે. શ્રી કારેણાએ ઉમેર્યું હતું કે, નવ 108 ચાલુ હતી, આજે વધુ આઠ સજ્જ કરાઇ છે. કચ્છમાં કુલ્લ 24 અને બે રિઝર્વ મળી 26  108 એમ્બ્યુલન્સ છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer