દુધઇમાં 3.26 કરોડના ખર્ચે બનશે આરોગ્ય કેન્દ્ર

દુધઇમાં 3.26 કરોડના ખર્ચે બનશે આરોગ્ય કેન્દ્ર
 ભાવેશ ઠક્કર દ્વારા  નવી દુધઇ (તા. અંજાર), તા. 11 : દુધઇમાં 3.26 કરોડના ખર્ચે બનનારા સામૂહિક આરોગ્ય કેન્દ્રથી આસપાસના 25થી 30 ગામોને  તેની સેવાનો લાભ મળશે તેવું બુધવારે આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજન પ્રસંગે અંજાર વિસ્તારના ધારાસભ્ય અને સંસદીય સચિવે જણાવ્યું હતું. સંસદીય સચિવ શ્રી આહીરે જણાવ્યું હું કે, રાજ્ય સરકાર દ્વારા એક વર્ષ પહેલાં આ સી.એચ.સી.ની મંજૂરી મળ્યા બાદ અનેક લોકોએ હવનમાં હાડકાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ સુવિધા માત્ર દુધઇ માટે નથી. પરંતુ આજુબાજુના 25થી 30 ગામને આની સેવા મળી રહે તે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે, સાથે ટૂંક સમયમાં દુધઇ તાલુકો બનશે  તેવી પણ સચિવે જાહેરાત કરી હતી. કોંગ્રેસે તો આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અહીં ન બને તે માટે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ગૌચર જમીન પર બનતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને અટકાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ બુધવારે સવારે  કાર્યક્રમના 2 કલાક પહેલાં સવારે કલેક્ટરના આદેશ મુજબ ડી.એલ.આર.ના શ્રી સાધુભાઇ, તેમની સાથે મામલતદાર, નાયમ મામલતદાર ખુદ જાતે માપણી કરી સર્વે કર્યું હતું. 16મીથી આચારસંહિતા લાગુ પડવાના કારણે ટૂંકાગાળામાં ખાતમુહૂર્ત કરવું પડયું હતું. શ્રી આહીર દ્વારા?છેલ્લા 20 દિવસમાં અંજાર મત વિસ્તારના  400 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. દુધઇને આજુબાજુના ગામના ખેડૂતો માટે નર્મદાનું પાણી મળે તે માટે સબ કેનાલના 320 કરોડ રૂપિયા મંજૂર કરીને ટેન્ડરો પણ બહાર પડી ગયા છે. આ પ્રસંગે પટેલ સમાજ, લોહાણા સમાજ, મુસ્લિમ સમાજ, રબારી સમાજ, કોલી સમાજ, આહીર સમાજ, ગોસ્વામી સમાજ, ક્ષત્રિય સમાજ, મહેશ્વરી સમાજે વાસણભાઇ આહીરનું સન્માન કર્યું હતું. ખાતમુહૂર્ત વિધિમાં બાંધકામ સમિતિના ચેરમેન હરિભાઇ જાટિયા, ડો. અંજારિયા, અંજાર તા. ભાજપ મંત્રી માદેવાભાઇ, મહામંત્રી કાનજીભાઇ, શંભુભાઇ, મશરૂભાઇ રબારી, હિતેશભાઇ ગઢવી સાથે રતનાલ સરપંચ રણછોડભાઇ, દુધઇ સરપંચ દેવશીભાઇ, ચાંદરાણી સરપંચ ધનજીભાઇ, ધમડકા સરપંચ બનુ મહારાજ, હીરાપર સરપંચ માદેવાભાઇ, કનૈયાબે સરપંચ ઇસબશા હાજી જમનશા, ખીરસરા સરપંચ મામદ કાસુ કટિયા, અંજાર તા. પંચાયત શાસક પક્ષના નેતા  જ્યોત્સનાબેન જીવાભાઇ શેઠ અને આજુબાજુના ગામના લોકો વગેરે જોડાયા હતા. ખાતમુહૂર્ત વિધિ શાત્રી સચિન મહારાજ, સંચાલન ઇશ્વરભાઇ પટેલ અને આભારવિધિ મશરૂભાઇ રબારીએ કરી હતી.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer