કચ્છના લઘુ-મધ્યમ ઉદ્યોગો અંગે નક્કર દરખાસ્ત આવે તો સરકાર વિચાર કરશે

કચ્છના લઘુ-મધ્યમ ઉદ્યોગો અંગે નક્કર  દરખાસ્ત આવે તો સરકાર વિચાર કરશે
ગાંધીધામ, તા. 11 : કેન્દ્રીય રાજ્યમંત્રી ગિરિરાજસિંહ ગાંધીધામ ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા. તેમની સમક્ષ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત થતાં તેમણે જો કચ્છમાંથી નક્કર દરખાસ્ત લવાય તો કેન્દ્ર સરકાર તેનું અમલીકરણ કરવા તત્પર છે એવી હૈયાધારણ તેમણે આપી હતી. ચેમ્બરના માનદ્મંત્રી મુરલીધર જગાણીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્વતંત્ર?હવાલો સંભાળતા કેન્દ્રીય રાજ્યમંત્રી સાથેની બેઠકમાં ચેમ્બરના પદાધિકારીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો, શહેરની વિવિધ?સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં ચેમ્બરના માનદ્ સહમંત્રી સંજય ગાંધીએ સૌને આવકાર્યા હતા. ઉપપ્રમુખ નંદલાલ ગોયલ તથા કોષાધ્યક્ષ જયેશ રાજદેએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. ઉપપ્રમુખે પોતાના વક્તવ્યમાં એમ.એસ.એમ.ઇ.ને લગતા પ્રશ્નો અને મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ એક લેખિત આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છમાં હસ્તકળા કારીગરીનું કલસ્ટર, એમ.એસ.એમ.ઇ.ને ઓછા દરે જમીન ફાળવણી, ટિમ્બર આધારિત ફર્નિચર પાર્ક, જીએસટી અંતર્ગત લઘુ-મધ્યમ ઉદ્યોગોને ખાસ સગવડ, ઇ-વાહનો માટે બેંક લોન સુવિધા, લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો વ્યવસ્થા, ગાંધીધામમાં ડી.આઇ.સી. કાર્યાલયની સ્થાપના, ઇન્ડસ્ટ્રી પ્રમોશન સેલને પૂર્ણપણે કાર્યરત કરવો, કચ્છમાં એમ.એસ.એમ.ઇ. પાર્કની સ્થાપના, એમ.એસ.એમ.ઇ. માટે દીનદયાળ પોર્ટના એસ.ઇ.ઝેડ. તથા એસ.આઇ.પી.સી. પ્રકલ્પ અંતર્ગત ખાસ વ્યવસ્થા, જી.આઇ.ડી.સી.માં સગવડોનો વધારો, માંદા એકમોને સહાય, સરકારની સોલ્ટ ઓફિસ બંધ કરવાના નિર્ણયથી થનાર મુશ્કેલી વગેરેનો સમાવેશ કરાયો હતો.કેન્દ્રીય રાજ્યમંત્રીએ હસ્તકળા કલસ્ટર અંગે કાપડ મંત્રીથી વાત કરવા, ફર્નિચર પાર્કની સ્થાપના માટે ટિમ્બર આયાતકારો, સો-મિલમાલિકો આયોજન સાથે આગળ આવે, ચેમ્બર જેવી સંસ્થાઓ એમ.એસ.એમ.ઇ.ના વિકાસ માટે આગોતરું આયોજન કરી સરકારને દરખાસ્ત આપે તો સરકાર અમલીકરણ માટે તત્પર છે એવી હૈયાધારણ આપી હતી.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer