ભુજ સુધરાઇની સામાન્યસભા ઉતાવળે સમેટી લેવાઇ

ભુજ સુધરાઇની સામાન્યસભા ઉતાવળે સમેટી લેવાઇ
ભુજ, તા. 11 : વિધાનસભાની ચૂંટણી દસ્તક દઇ રહી છે ત્યારે જ વિપક્ષની સૂચક પાંખી હાજરીમાં આજે ભુજ સુધરાઇની યોજાયેલી સામાન્ય સભા નિરસ બની રહી હતી. આમ તો વિપક્ષી નેતાના ઉગ્ર મિજાજ સાથેના સવાલોને પગલે થોડી વારમાં જ સમેટી લેવાતી સભામાં આજે કોંગ્રેસના નગરસેવકોની શાંત રજૂઆતને પણ પૂરતો સમય ન અપાતાં નારાજગી ફેલાઇ હતી. સભામાં વિપક્ષના સિનિયર નગરસેવક ફકીરમામદ કુંભારે શહેરમાં પાણી વિતરણ માટે ભાડે રખાયેલા ટેન્કર-ટ્રેકટર માટે મંજૂર થયેલા 10 લાખના ખર્ચ સામે સવાલ ઉઠાવી સુધરાઇ ખાતે પડેલા ટ્રેકટર-ટેન્કરની મરંમત કરી ખર્ચ બચાવવા માંગ કરી હતી. આ ઉપરાંત અંજારમાં રખડતા ઢોરની હડફેટે મૃત્યુ પામેલા યુવાનના ઉલ્લેખ સાથે ભુજની સમસ્યા પર પણ પ્રકાશ પાડયો હતો. શહેરીજનોને કાયમી સતાવતી પાણી સમસ્યા તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, સ્વાઈનફલુ જેવા રોગને અટકાવવા સફાઇ, દવા છંટકાવ કરવા તેમજ સુધરાઇના કર્મચારીઓના હક્કના નાણાં સત્વરે ચૂકવાય તેવી માંગ કરી હતી. તો સમા આઇસુબેને થોડી વારમાં જ સમેટાયેલી સભાને પગલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભુજ શહેરમાં સફાઇ થતી નથી, પાણીની મુશ્કેલી, લાખોના ખર્ચે નખાયેલા સ્પીડબ્રેકરો તૂટી ગયા છે, મોટા ભાગની રોડ લાઇટ બંધ છે સહિતની લોક સમસ્યા ન સાંભળી લોકોને અન્યાય કરાયો છે. સભા પ્રારંભે અવસાન પામેલા સુધરાઇના કર્મચારી સુધીરભાઇને મૌનપાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ત્યારબાદ પ્રમુખ અશોક હાથીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા તેમજ વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ એપ્રિલથી જૂન સુધી 1,30,000ની તસલમાત તથા કલોઝિંગ બેલેન્સ 32.73 કરોડ મળી 41.55 કરોડના તેમજ જુલાઇથી સપ્ટેમ્બરમાં 13.89 લાખ તસલમાત તેમજ કલોઝિંગ બેલેન્સ 36.17 કરોડ મળી 47.95 કરોડના ત્રિમાસિક હિસાબો રજૂ કર્યા હતા. ત્યારબાદ શ્રી જાડેજાએ 1થી 67 ઠરાવો ઉપરાંત ભુજમાં વૃક્ષોના પિંજરા લગાડવા, સફાઇકર રિવાઇઝ કરી રહેણાંક મિલકતો પાસેથી માસિક રૂા. 25 તથા બિન રહેણાંક મિલકતો પાસેથી માસિક રૂા. 50 વસૂલવા, તે સિવાય મોટે ભાગે માર્ગ તથા ઇન્ટરલોકના કામો રજૂ કર્યા હતાં. જેને સર્વાનુમતે બહાલી અપાઇ હતી. પ્રમુખસ્થાનેથી રજૂ થયેલા ઠરાવોનું વાંચન વોટર સપ્લાય ચેરમેન જગત વ્યાસે કરતાં જણાવ્યું કે, અરિહંત નગર ખાતે પીવાના પાણીના ઓવર હેડ ટેન્ક જર્જરિત હોતાં રૂા. 14.57 લાખના ખર્ચે 50 હજાર લીટરની સક્ષતા સાથેનો નવો બનાવવા અને આ કાર્ય માટે 14મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી તાત્કાલિક બનાવવા મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારમાં 88 જેટલા વિકાસના કાર્યોને મંજૂરી અપાઇ હતી. સભામાં ઉ.પ્ર. સુશીલાબેન આચાર્ય તથા મુખ્ય અધિકારી મેહુલ જોધપુરા મંચસ્થ રહ્યા હતા. સતાપક્ષ તથા વિપક્ષના નગરસેવકો ચર્ચામાં જોડાયા હતા.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer