કચ્છ આરટીઓમાં પહેલી જ વખત તાલીમી મહિલા અધિકારી

ભુજ, તા. 11 : રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા વડે પસંદ કરવામાં આવેલા એઆરટીઓ કક્ષાના 14 ઉમેદવારોને વિવિધ જિલ્લામાં અજમાયશી ગાળા માટે મૂકવામાં આવતાં કચ્છ આરટીઓને પ્રથમ વખત 1 મહિલા સહિત બે તાલીમી અધિકારી મળ્યા છે. રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ અનુસાર અહીં આવેલી જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં બનાસકાંઠા નિવાસી નિમિષાબેન દશરથભાઇ પંચાલ તથા મહેસાણા જિલ્લાના કનકસિંહ દેવીસિંહ પરમારને તાલીમી એઆરટીઓ તરીકે હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવી હતી.  સરકારના આદેશાનુસાર કુલ 14 સીધી ભરતીના ઉમેદવારોને વ્યારા, કચ્છ, અમદાવાદ, બારડોલી, ગાંધીનગર સહિતના જિલ્લામાં આરટીઓ/એઆરટીઓ કચેરીઓમાં તાલીમી અધિકારી તરીકે નિમણૂક અપાઇ હતી. કચ્છમાં પહેલી જ વખત આરટીઓમાં કોઇ મહિલા અધિકારીની નિમણૂક થઇ રહી છે. આ બંને અધિકારીઓ તાલીમી ગાળો પૂર્ણ કરશે તે પછી તેમને કાયમી (નિયમિત) અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવશે. જિલ્લામાં અત્યારે  આરટીઓની કામગીરીમાં ભારે વધારે થયો છે, ત્યારે સહાયક આરટીઓના પદ રિકત હોવાથી કામગીરીને  અસર પહોંચવાની બૂમ ઊઠી રહી હતી. સરકારે તેના સ્થાને તાલીમી અધિકારી મૂક્યા હોવાથી અત્યારે તો કામગીરીમાં કોઇ ફરક નહીં પડે, પરંતુ ભવિષ્યમાં અધિકારી ઘટની પૂર્તતા થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer