કચ્છમાં વિજયભાઇ રૂપાણી તથા યોગી આદિત્યનાથ સભાઓ ગજવશે

ભુજ, તા. 11 : ગુજરાતમાં ભાજપના  21 વર્ષના શાસન દરમ્યાન રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોથી લોકોને વાકેફ કરવા યોજાયેલી ગુજરાત ગૌરવ યાત્રાનો સમાપન કાર્યક્રમ તા. 13 અને 14/10ના કચ્છમાં થશે. જેમાં 13મીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા 14મીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ હાજર રહી સભાઓ ગજવશે તેવું આજે જિલ્લા ભાજપ દ્વારા આ યાત્રા અંગેની રૂપરેખા આપવા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું છે. બે દિવસ કચ્છમાં ફરનારી ગુજરાત ગૌરવ યાત્રામાં નવ સભા અને 15 જગ્યાએ સ્વાગત થશે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી  પત્રકાર પરિષદમાં સંસદીય સચિવ વાસણભાઇ આહીરે 1995 બાદ ગુજરાતમાં ભાજપના શાસન દરમ્યાન ગૌરવ લઇ શકાય તેવા અનેક વિકાસકાર્યો થયાનું વર્ણન કર્યું હતું. સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઇ મોદીની કચ્છ પ્રત્યેની લાગણી થકી કચ્છનો અનેરો વિકાસ થયો છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ ગુજરાત ગૌરવ યાત્રાના કચ્છના બે દિવસના કાર્યક્રમોની રૂપરેખા આપી આમાં તા. 13/10ના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીર અને અનુરાગ ઠાકોર જોડાશે. જ્યારે  તા. 14/10ના બીજા દિવસે  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇએ કાર્યક્રમોની છણાવટ કરતા ઉમેર્યું હતું કે, દરેક સભામાં પાંચથી સાત હજાર અને સ્વાગતમાં એક હજારથી પંદરસો લોકો જોડાશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર આવી રહેલા યોગી આદિત્યનાથને સાંભળવા કચ્છના લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહેવાનું જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરુદ્ધભાઇ?દવે, વલમજી હુંબલ મંચસ્થ રહ્યા હતા. મીડિયા કન્વીનર ઘનશ્યામભાઇ ઠક્કર, સાત્વિકદાન ગઢવી તથા ભૌમિક વચ્છરાજાનીએ વ્યવસ્થા સંભાળી હતી.    ગુજરાત ગૌરવ યાત્રા-કચ્છના કાર્યક્રમો  આ બે દિવસના કાર્યક્રમ પ્રમાણે પ્રથમ દિવસે તા. 13ના સવારે 9.30  વાગ્યે રાપરના દેનાબેન્ક ચોકમાં સભા બાદ ચિત્રોડમાં મુખ્ય માર્ગ પર સ્વાગત, લાકડિયા ત્રણ રસ્તા ઉપર સ્વાગત અને બપોરે 12 વાગ્યે સામખિયાળીમાં સભા બાદ 2.30 વાગ્યે વોંધ અને 3 વાગ્યે ભચાઉના ઓવરફ્લાય નીચે સ્વાગત, સાંજે 4.30 વાગ્યે ગાંધીધામના શકિતનગર ગ્રાઉન્ડ ખાતે સભા તથા સાંજે 6.15 વાગ્યે અંજારના ટાઉનહોલ ગ્રાઉન્ડમાં સભા બાદ રતનાલમાં સ્વાગત અને રાત્રે 8 વાગ્યે ભુજમાં પ્રિન્સ રેસીડેન્સી સામે સભા યોજાશે. બીજા દિવસે તા. 14/10ના સવારે 9.30  વાગ્યે સુખપરમાં સ્વાગત બાદ માનકૂવા, સામત્રા, દેશલપર, દેવપરમાં યાત્રાનું સ્વાગત થશે. સવારે 11.30 વાગ્યે નખત્રાણાના મનજી બાપાના વંડામાં સભા યોજાશે. બપોરે 3 વાગ્યે મંગવાણામાં સ્વાગત અને 3.30 વાગ્યે ગઢશીશાની હાઇસ્કૂલમાં સભા બાદ ભાડઇ મોટી મધ્યે સ્વાગત અને સાંજે 5.30 વાગ્યે માંડવીમાં જી.ટી. હાઇસ્કૂલ તળાવ સામે સભા ત્યારબાદ બિદડા અને ભુજપુરમાં સ્વાગત અને રાત્રે 8 વાગ્યે મુંદરાના શાત્રી મેદાનમાં સમાપન સભા યોજાશે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer