કચ્છના મહેશ્વરી સમાજના ધાર્મિકસ્થળોને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માંગ

માંડવી, તા. 11 : કચ્છના મહેશ્વરી સમાજના ધાર્મિક સ્થળોને કચ્છના પ્રવાસનધામ તરીકે વિકસાવી કચ્છનો વિકાસ કરવાની રજૂઆત કરાઈ છે. માંડવી તા.પં.ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન  પ્રીતિબેન વસંતભાઈ ડગરાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જણાવ્યું હતું કે, કચ્છમાં મહેશ્વરી-મેઘવાળ સમાજના સારી-સારી જગ્યાએ ધાર્મિક સ્થળો છે અને દરેક સ્થળો અનેરો ઈતિહાસ ધરાવે છે. જેમ કે મુંદરા તાલુકાના લુણી ગામે લુણંગદેવ (ગણેશ)નું સ્થાનક, અબડાસા તા. ના ગુડથર ગામમાં મતિયાદેવનું સ્થાનક, અબડાસાના વિંઝાણ ગામે ગેબી મતિયાદેવનું સ્થાનક, ભુજ તાલુકાની કાળી તલાવડી ગામે આવેલું ચંદ્રુવો ધામ જે પર્વત પર માતંગદેવનું સ્થાનક, અંજાર તાલુકામાં અંજારમાં મામઈદેવ (બગથડા)નું સ્થાનક, ત્રિકમ સાહેબ આશ્રમ, ચિત્રોડ, તા. રાપર તેમજ હાલમાં દેવગતિ અને એક મહિના અગાઉ પોતાના મરણની તારીખ અને સમય આપી અને આખી જિંદગી સમાજની સેવામાં તત્પર રહેલા એવા વેલજી દાદા મતિયા પીર જેમની અંજાર તાલુકાના ખંભરા ગામે સમાધિ આવેલી છે એ સર્વે સ્થાનકોને કચ્છના પર્યટન તરીકે વિકસાવી પ્રવાસન સ્થળ તરીકે સમાવીને કચ્છનો મોભો અને શાનમાં વધારો કરવાની માગ કરી છે. આ ધાર્મિક સ્થળોનો વિકાસ થાય અને કચ્છમાં પ્રવાસન પર્યટક ધામમાં વધારો કરી કચ્છનો વિકાસ થાય તે હેતુથી માંગણી મૂકવામાં આવી છે. આ અંગે ગુજરાત પ્રવાસન મંત્રાલય તેમજ  તેને સંલગ્ન અન્ય વિભાગમાં પણ આ અંગે કાર્યવાહી કરવાની માંગ પ્રીતિબેને કરી છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer