છસરામાં 19 કરોડના ખર્ચે થનારા વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

છસરામાં 19 કરોડના ખર્ચે થનારા વિકાસના  વિવિધ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 11 : મુંદરા તા.ના છસરા ગામે રૂા. 19 કરોડના ખર્ચે થનાર વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય તારાચંદભાઇ છેડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખ રણજિતસિંહ જાડેજાના પ્રમુખસ્થાને યોજવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી અને મુંદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાલાલભાઇ આહીર, મુંદરા તાલુકા ભાજપના અધ્યક્ષ વાલજીભાઇ ટાપરિયાએ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહી સરકાર દ્વારા ધારાસભ્યના પ્રયાસોથી કરોડો રૂપિયાના વિકાસના કામો થવા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. છસરા, મોખા, કુંદરોડી રોડ રૂા. 2 કરોડ 22 લાખ, છસરા, પત્રી, કુંદરોડી રોડ રૂા. 16 કરોડ 46 લાખ, છસરા ગામનો એપ્રોચ રોડ રૂપિયા 50 લાખ, છસરા ગ્રામપંચાયત ઘર રૂા. 14 લાખ, છસરા ગામે મુસ્લિમ સમાજવાડી રૂા. 5 લાખ સહિત રૂપિયા 19 કરોડ 22 લાખના વિવિધ વિકાસના કામો અંગે વાત કરતાં ધારાસભ્ય શ્રી છેડાએ છસરા જેવા નાનકડા ગામમાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે ત્યારે આ બધા જ કામો ગ્રામ સમિતિ બનાવીને સરપંચની આગેવાની હેઠળ   થાય તે માટે કાર્ય કરવા ઉપસ્થિત ગ્રામજનોને અપીલ કરી હતી. ગામના સરપંચ શકીનાબેન આરબ બોલિયા, મહાજનના અધ્યક્ષ પ્રવીણભાઇ ગાલા, કુંદરોડી, વવાર, મોખા વિગેરે આજુબાજુના ગામના સરપંચ, સામાજિક આગેવાનો અને આજુબાજુના ગ્રામજનો હાજર રહ્યા હતા. મહેમોનોનું સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ચટવાણી અને શ્રી ખંડેરિયા હાજર રહ્યા હતા અને રસ્તાઓની ગ્રાન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer