રાજ્ય સ્તરે કચ્છનું વીજતંત્ર જાણે નગણ્ય; ''78 પછી ભરતી બંધ
ગિરીશ જોશી દ્વારા  ભુજ, તા. 13 : વિશાળ વિસ્તારમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં દિવસ હોય કે રાત 24 કલાક ઊર્જા આપનારી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની કેટલીક ચોંકાવનરી વિગતો બહાર આવી છે. 1978 મુજબના લાઇન સ્ટાફથી માંડી એક પણ નવા અધિકારીની ભરતી કરવામાં આવી નથી. વીતેલા ચાર દાયકામાં સમગ્ર જિલ્લાની સ્થિતિ બદલાઇ ગઇ, જબરજસ્ત વિકાસ થયો અને વિદ્યુત બોર્ડમાંથી  કંપની બન્યા પછી કરોડોની આવક થઇ છતાં ભેદભાવની નીતિએ મોટી અડચણો ઉભી કરી છે. ગુજરાત વિદ્યુત બોર્ડનું વિસર્જન થયા પછી રાજ્યમાં ચાર અલગ અલગ કંપનીઓ બનાવવામાં આવી હતી. કંપની બન્યા ઉપરાંત જ્યોતિગ્રામ યોજના આવ્યા પછી વીજ સમસ્યાનું પ્રમાણ આમ જોઇએ તો ઘટી ગયું છે, પરંતુ જ્યારે જ્યારે કોઇ આફત આવે ત્યારે માળખું રફેદફે થઇ જાય છે અને તેમાં પુન: સુધારો આવતાં દિવસો  લાગી જાય છે એ હકીકત છે. અન્ય જિલ્લાઓની તુલનાએ કચ્છ સૌથી મોટો અને વિચિત્ર ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોવાના કારણે લાંબી લાંબી વીજ લાઇનો પસાર થાય છે, તેના કારણે ફોલ્ટનું પ્રમાણ ખૂબજ હોય છે. સામે સુધારણા માટે ટકાવારીની દૃષ્ટિએ સ્ટાફની મોટી ઘટ છે. ઔદ્યોગિકીકરણ થયા પછી કચ્છમાં પીજીવીસીએલની માસિક આવકમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને એક સમયે 1978માં  મહિને માંડ લાખો રૂપિયા મળતા હતા તે વધીને કરોડો રૂપિયા થઇ ગયા છે. સૂત્રો પાસેથી મળેલી  માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાનું  વીજતંત્રનું વિભાજન કરી દેવામાં આવ્યું અને બે સર્કલ પણ મોટા ઉપાડે કરી દેવામાં આવ્યા છે. પરંતુ સ્ટાફની સંખ્યા એની એ જ છે. કારણ કે ભુજ સર્કલમાં જે સ્ટાફ હતો તેમાંથી થોડા કર્મચારી-અધિકારીઓને ઉપાડીને અંજાર સર્કલમાં બેસાડી દેવામાં આવ્યા છે. અગર સૂત્રોની વાત માનીએ તો આંકડા પરથી કેટલીક સત્ય હકીકતો જોવા મળે છે. અંજાર સર્કલ બન્યા પછી માસિક આવક દોઢસો કરોડની થાય છે, જ્યારે ભુજ સર્કલ દર મહિને 75 કરોડ રળી આપે છે. અંજાર સર્કલ હેઠળ 2.69 લાખ વીજ જોડાણો આવેલા છે, જ્યારે ભુજ સર્કલ હેઠળ 3.77 લાખ જોડાણો છે, પરંતુ જોડાણો સામે સ્ટાફની ટકાવારી ખૂબજ નીચી છે. કારણ કે  અંજારમાં માત્ર 340 અને ભુજમાં 667 જણનો સ્ટાફ છે. આ સ્ટાફ?1978માં પણ એ જ હતો. હવે  અન્ય જિલ્લાઓની  સરખામણણી કરીને માહિતી આપતા સૂત્રો કહે છે કે, અમરેલી સર્કલની આવક 73 કરોડની છે, છતાં 1170 કર્મચારીઓની ફોજ તૈનાત છે. જામનગરમાં 93 કરોડની આવક સામે 1252 જણને પગાર ચૂકવવામાં આવે છે. આ સત્તાવાર આંકડા?છે અને રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક પત્રમાંથી જાણવા મળ્યું હતું. હવે પેટા વિભાગ હેઠળના મળેલા અત્યંત ગોપનીય આંકડા પણ શંકા પ્રેરે તેવા છે. કારણ કે કચ્છના આદિપુર પેટા વિભાગ હેઠળ? વીજ જોડાણો 51 હજાર છે, પરંતુ તેમાં કુલ્લ સ્ટાફ?33 છે, જેમાં માત્ર 4 લાઇનમેન છે. હવે મોરબી શહેરના સબ ડિવિઝનની વાત કરીએ તો જોડાણો 31 હજાર છે પણ સામે સ્ટાફ 54 જણનો જ છે. 8 લાઇનમેનનો સમાવેશ થાય છે. આ તો માત્ર દાખલા છે. દરેક સબ ડિવિઝનમાં ઊંડા ઉતરીને આંકડા મેળવવામાં આવ્યા તો કચ્છના ભાગે અન્યાય અને ભેદભાવ રાખવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. આ મુદ્દે ખુદ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પણ નારાજગી દર્શાવી છે. સંઘના વર્તુળ મંત્રી વિક્રમભાઇ માતાએ જણાવ્યું હતું કે, કચ્છની ભૌગોલિક સ્થિતિને જોતાં ભારે અન્યાય કરવામાં આવે છે. દરરોજ વધતી જતી ગ્રાહકોની સંખ્યા, લાંબી લાઇનો, ઉપરાંત દરવર્ષે જે સ્ટાફ છે તેમાંય નિવૃત્ત થાય છે, એટલે મીટર રીડરથી માંડી લાઇનમેન, હેલ્પર વગેરે કર્મચારીઓની મોટી ઘટના કારણે ફોલ્ટ નિવારવામાં મુશ્કેલી થાય છે અને જે કર્મચારીઓ છે તેઓ પણ કામના ભારણને  કારણે માનસિક તાણ અનુભવે છે. જે કર્મચારીઓ છે તેઓને જ મીટર રીડીંગ કરવું, બિલ બનાવવા, લાઇન રીપેરિંગ કરવી આ બધા પ્રશ્નો હલ કરવા ખુદ અધિકારીઓની સમસ્યા પણ વધતી જાય છે. તેની વચ્ચે કુદરતી આફતો તો ઉભી હોય છે. આ વિટંબણામાંથી મુકિત, લાવવા અને અત્યંત ગંભીરતાપૂર્વક વિચારણા કરી તમામ ક્ષેત્રમાં ઘટ નિવારી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો રાજ્ય સંગઠનના મોવડી વાસણભાઇ આહીરે પણ સરકારમાં પત્ર લખી વિસ્તૃત માગણી કરી હતી. જોકે આ બાબતે  પીજીવીસીએલના રાજકોટ સ્થિત એમ.ડી. એચ. આર. સુથારનો સંપર્ક સાધતાં ક્યાંક સમસ્યા વધુ છે એ વાતનો સ્વીકાર કરીને સરકારમાં નવી ભરતી માટેની અમારી દરખાસ્ત મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં નિવેડો આવી જશે. કચ્છના કિસ્સામાં પોતે તપાસ કરશે. કારણ કે ભૂતકાળમાં જે નવી કચેરીઓ શરૂ થઇ હશે ત્યારે નવા માણસો કેમ મૂકવામાં નથી આવ્યા એ બાબતે પણ તેઓ વિગતો મંગાવશે એમ કહ્યું હતું.