નાની સિંધોડીમાં આઠ મકાનોનાં તાળાં સાગમટે તૂટયાં
ભુજ, તા. 13 : અબડાસાના સીમાવર્તી અને દુર્ગમ તથા અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની સિંધોડી ગામે ગામના મુંબઇ તથા અન્ય સ્થળોએ વસતા આઠ પરિવારના ઘરનાં તાળાં એક સાથે તોડીને સામૂહિક તસ્કરી કરાતાં સનસનાટી મચી ગઇ છે.  ગત તા. પાંચમી જૂનથી ચાલુ મહિનાની બીજી તારીખ દરમ્યાન ગમે ત્યારે બનેલી સામૂહિક ચોરીની આ ઘટના ગઇકાલે પ્રકાશમાં આવવા સાથે પોલીસના દફ્તરે ચડી હતી. મૂળ ગામના વતની માણેકભાઇ ખીંયરાજભાઇ મૈશરી (શાહ)એ આ મામલામાં જખૌ મરીન પોલીસ મથકમાં ગઇકાલે વિધિવત્ ફરિયાદ લખાવી હતી.  પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલાએ કેસની તપાસ હાથ ધરી છે.  ફરિયાદને ટાંકીને પોલીસ સાધનો દ્વારા અપાયેલી વિગતો અનુસાર, કેસના ફરિયાદી શ્રી મૈશરીના બંધ મકાનનાં તાળાં તોડીને કોઇ હરામખોરો ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે ઘરમાં પડેલી વિવિધ વસ્તુઓ ફેંદી નાખવા સાથે તિજોરી તોડી તેમાંથી રૂા. પાંચ હજાર રોકડાનો હાથ માર્યો હતો.  સમગ્ર પ્રકરણની ગંભીરતા એ બની રહી છે કે માણેકભાઇ સાથે ગામના મુંબઇ અને અન્ય સ્થળે વસતા અન્ય સાત પરિવારનાં મકાન પણ તસ્કરોની હડફેટે ચડયાં હતાં. આ ઘરોનાં પણ તાળાં તોડી અંદર ઘૂસ્યા પછી ઘરવખરી ફેંદી નખાઇ હતી. આ મકાનોના માલિકો બહારગામ હોવાથી તેમને ત્યાંથી શું ચોરાયું તે હજુ બહાર આવ્યું નથી. નાનકડા એવા ગામમાં એક સાથે આઠ-આઠ મકાનનાં તાળાં તૂટવાની ઘટના બહાર આવતાં કાયદાના રક્ષકો જબ્બર દોડધામમાં પડી ગયા છે, તો જેઓ ઘર બંધ કરીને બહારગામ વસે છે તેવા પરિવારો પણ ચિંતિત બન્યા છે. ખાસ કરીને મુંબઇગરા લોકો વધુ ચિંતિત બનવા સાથે પૂછતાછ કરી રહ્યા છે.