સ્વાઇન ફ્લુના ભરડા વચ્ચે પૂર્વ કચ્છની સરકારી રામબાગ હોસ્પિટલ તબીબ વિહોણી !
સ્વાઇન ફ્લુના ભરડા વચ્ચે પૂર્વ કચ્છની  સરકારી રામબાગ હોસ્પિટલ તબીબ વિહોણી ! ગાંધીધામ, તા. 13 : પૂર્વ કચ્છની એકમાત્ર સરકારી રામબાગ હોસ્પિટલમાં તબીબોની લાંબા સમયથી સર્જાયેલી ઘટ અંગે રાજ્ય સરકારના અધિકારીઓ, રાજ્યના આરોગ્ય મંત્રીની ખાતરીઓ તો પોકળ જ સાબિત થઇ છે તેવામાં આજે હોસ્પિટલના ત્રણ મેડિકલ ઓફિસર રજામાં હોતાં તબીબોની ઘટનાં કારણે મુશ્કેલી વેઠતા ગાંધીધામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી અજાણ હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડાયેલી ડિસ્પેન્સરીના ડો. હિમાંશુ મકવાણાએ બે દિવસની રજા મૂકી હતી. ત્યારબાદ રામબાગ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. સિન્હાએ કોઇપણ કારણોસર આજથી બે દિ'ની રજા મૂકી હતી અને ત્યારબાદ ગત મોડી રાત્રિના હોસ્પિટલના અન્ય મેડિકલ ઓફિસર ડો. શ્રીવાસ્તવ અઠવાડિયાની રજા મૂકી ચાલ્યા ગયા હતા. ત્રણે મેડિકલ ઓફિસરની ગેરહાજરી અંગે અજાણ ગરીબ દર્દીઓની સવારથી લાઇન લાગી હતી. ઓપીડી ચાલુ ન થતાં 100થી વધુ દર્દીઓ કણસતી હાલતમાં ઓપીડી શરૂ થવાની રાહ જોતા હતા. ડોકટરો ક્યાં ગયા ? તે અંગે એક કર્મચારીને પૂછતાં ત્રણેય ડોકટરોને સ્વાઇન ફલુ થઇ ગયો છે તેવો જવાબ આપ્યો હતો. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે બે ડોકટરો રજા ઉપર હોવાથી ત્રીજા ડોકટરે રજા પર જતાં પૂર્વે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ પરંતુ લાંબી રજા પર ગયેલા તબીબે તે બાબતની પરવા જ કરી ન હોવાનો આક્ષેપ જાણકારોએ કર્યો હતો. દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતાં હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટે દર્દીઓને તપાસી સારવાર આપી હતી. થોડા દિવસ પૂર્વે પણ આવી પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે તાલુકા આરોગ્ય અધિકારીએ દર્દીઓને તપાસ્યા હતા. હાલ સમગ્ર જિલ્લો સ્વાઇન ફલુના અજગરી ભરડામાં સપડાયેલો છે. ગાંધીધામ શહેર અને તાલુકામાં પણ સ્વાઇન ફલુથી મોત પણ  નીપજ્યાં છે અને હજુ પણ ગાંધીધામમાં કેસ નોંધાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ત્રણ મેડિકલ ઓફિસર રજામાં ચાલ્યા જતાં લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો હતો. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી તબીબોની ઘટનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે. પૂર્વ કચ્છની સરકારી હોસ્પિટલની આવી દુર્દશા અંગે વિપક્ષ કોંગ્રેસે પણ કોઇ રજૂઆત કરવાને તસ્દી લીધી નથી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પાંડેનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે ત્રણ તબીબો રજામાં ગયા હોવાની બાબતે અજાણતા જણાવી તપાસ કરાવું છું તેવું જણાવ્યું હતું.