કોડાય ચોકડીએ અકસ્માતના પગલે કોથળીઓ વેરાવા સાથે દેશી દારૂ વહ્યો
કોડાય (તા. માંડવી), તા. 13 (પ્રતિનિધિ દ્વારા) : ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર કોડાય ચાર રસ્તા ખાતે આજે વહેલી સવારે દેશી દારૂના કેરિયર એવા તરુણ વયના માંડવીના બે છોકરાનું બાઇક મારુતિ અલ્ટો કાર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં આ બન્નેને ઇજા થવા સાથે રસ્તા ઉપર દેશી દારૂની કોથળીઓ વેરાઇ હતી, તો કેટલીક કોથળીઓ તૂટતાં દારૂ વહ્યો પણ હતો.  આજે સવારે સાતેક વાગ્યે બનેલી આ ઘટનામાં માંડવીના જાવેદ અલીખાન બલોચ (ઉ.વ.16) અને રિઝવાન હમીદખાન બલોચ (ઉ.વ.13) ઘવાયા હતા. આ બન્ને જણ નાગિયારી ગામેથી દારૂની કોથળીઓ ભરેલો કોથળો લઇને જી.જે.12 ડી.ડી. 7977 નંબરના બાઇકથી આવી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી જી.જે.12 જે. 2146 નંબરની  મારુતિ અલ્ટો કાર સાથે તેમને અકસ્માત નડયો હતો.  પોલીસે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાઇક સવાર બન્ને કિશોરને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઇ હતી. તેમને 108ની મદદની માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે બાઇક ઉપર લઇ જવાતા કોથળામાંથી દારૂની કોથળીઓ રસ્તા ઉપર વેરાઇ હતી, તો અમુક કોથળીઓ તૂટતાં દારૂ પણ ધોરીમાર્ગ ઉપર વહ્યો હતો. પોલીસે બનાવના સ્થળેથી દારૂની સાત કોથળી કબ્જે કરી હતી તેવું તપાસનીશ પેથાભાઇ સોધમે માહિતી આપતાં જણાવ્યું હતું.  દરમ્યાન, અકસ્માતના આ બનાવ થકી માંડવી વિસ્તારમાં વહેલી સવારે થતી દારૂની હેરફેર અને આ પ્રવૃત્તિમાં તરુણ વયના છોકરાઓના ઉપયોગ સહિતના મુદ્દા સપાટી ઉપર આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોડાય ચાર રસ્તા ખાતે અગાઉ પણ દારૂ ભરેલી રિક્ષાને અકસ્માત નડયો હતો ત્યારે પણ માર્ગ ઉપર દારૂ વહ્યો હતો. માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.