છેતરપિંડી કેસમાં કેરાની કોલેજના ચેરમેનની જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 13 : ભારે ચકચારી બનેલા રૂા. 24.11 કરોડની છેતરપિંડીના કેરા એચ.જે.ડી. કોલેજના મામલામાં ધરપકડ કરાયેલા કોલેજના ચેરમેન જગદીશ દેવજી હાલાઇની જામીન અરજી જિલ્લા અદાલત દ્વારા આજે નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. હવે જામીન માટે શૈક્ષણિક સંસ્થાના આ આગેવાને રાજ્યની વડી અદાલત સમક્ષ ધા નાખવી પડશે. અત્રેના દ્વિતીય અધિક સેશન્સ જજ એ.આઇ. રાવલ સમક્ષ જામીન અરજીની આ સુનાવણી થઇ હતી. બેથી ત્રણ તારીખ પડયા બાદ આજે ન્યાયાધીશે ચુકાદો જાહેર કરતાં ચેરમેન જગદીશ હાલાઇની જામીન અરજી નામંજૂર કરી હતી. જામીન કેસની આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી અને કેસના ફરિયાદ પક્ષ વતી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી કે.ટી. ચૌધરી સાથે  વિજય ગઢવી, નારૂભા વાઘેલા અને ધર્મેન્દ્ર જોશી હાજર રહ્યા હતા. ન્યાયાધીશ શ્રી રાવલે રૂા. 24.11 કરોડ જેવી મોટી રકમની છેતરપિંડી શૈક્ષણિક સંસ્થાના અનુસંધાને થતાં શિક્ષણ જગત ઉપર પડનારી વિપરીત અસરો, છાત્રો અને વાલીઓનો વિશ્વાસ ઊઠી જવો, વિદ્યાર્થી આલમના માનસ ઉપર પ્રત્યાઘાત ઉપરાંત કેસની તપાસ ચાલુ હોવી, આરોપી દ્વારા ખોલાવાયેલાં એન.આર.આઇ. ખાતાં અને તેમાં થયેલા વ્યવહારો જેવા મુદ્દાઓ કેન્દ્રમાં રાખીને જામીન અરજી ફગાવી દેતો ચુકાદો આપ્યો હતો.  જિલ્લાસ્તરે જામીન ન મળતાં હવે જામીન માટે રાજ્યની હાઇકોર્ટના શરણે જવું પડશે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer