ડ્રાઇવિંગ લાયસન્સ હવે કોલેજમાંથી નીકળશે !

ભુજ, તા. 13 : ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે હવે આરટીઓની જગ્યાએ જિલ્લાની કોઈપણ આઈટીઆઈ કોલેજમાં જવાનું થાય તો નવાઈ પામતા નહીં, કેમ કે સરકારે કાચું લાયસન્સ કઢાવવા માટે કચ્છ સહિત રાજ્યભરની આઈટીઆઈને ઓથોરિટી તરીકે નિમવાનો નિર્ણય કર્યો છે. એક વખત આખા રાજ્યમાં આ નિર્ણય અમલી બનશે ત્યારે માત્ર પાકું લાયસન્સ મેળવવા માટે જ આરટીઓનાં પગથિયાં ચઢવાનાં થશે. કચ્છમાં જો કે ટેકનિકલ રીતે આ નિર્ણયના અમલમાં થોડી વાર લાગી શકે છે, પરંતુ લર્નિંગ લાયસન્સ આઈટીઆઈ કોલેજમાંથી મળવાનો માર્ગ જરૂરથી ખૂલી ગયો છે. વાહનવ્યવહાર કમિશનર કચેરીએથી જારી એક પરિપત્ર અનુસાર, જે તાલુકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) આવેલી હોય તે તાલુકામાં વસતા અરજદારોનાં કાચાં (શિખાઉ) લાયસન્સ ઈસ્યૂ કરવા માટે જે-તે તાલુકાના વડા મથકના આઈટીઆઈના પ્રિન્સિપાલને તેની હકૂમત પૂરતા લાયસન્સિંગ ઓથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ પરિપત્રનો અમલ થયેથી જે-તે તાલુકાના લાયસન્સ ઈચ્છુકોને હવે છેક ભુજ કે ગાંધીધામ સુધીનો ધક્કો નહીં ખાવો પડે અને તેમના જ તાલુકા મથકે આવેલી આઈટીઆઈમાંથી કાચું લાયસન્સ તેમને મળી જશે. દરમ્યાન, આ અંગે જિલ્લા આરટીઓ શ્રી ચૌહાણનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, કમિશનર કક્ષાએથી હજુ ટૂંકો આદેશ જ આવ્યો છે અને ડિટેઈલ નિર્દેશ આવવાના બાકી છે. આ નિર્ણયનો અમલ થયે અત્યારે કાચાં લાયસન્સ માટે આરટીઓમાં જે ભીડ જામે છે તે ઘટી જશે. કચ્છમાં આ નિર્ણયના અમલ માટે લાગનારા સમય વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, કચ્છ આરટીઓમાં અત્યારે સારથી-1 સોફ્ટવેર અમલી છે, જે એક લોકલ સર્વર તરીકે કામ આપે છે. રાજ્યની ભરૂચ સહિતની કેટલીક આરટીઓમાં સારથી-4 સોફ્ટવેર છે, જે સેન્ટ્રલાઈઝ્ડ સર્વર છે અને આવું સર્વર કચ્છ આરટીઓમાં આવે તે પછી નિર્ણયની બહુ સરળતાથી અમલવારી થઈ શકશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer