છાત્રોને વિતરિત ટેબલેટમાંથી કેટલાક નબળી ગુણવત્તાવાળા નીકળતા હોવાની રાડ
ભુજ, તા. 13 : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટેની યોજના `નમો ટેબલેટ' નું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરની સાથે કચ્છમાં થયેલા વિતરણ બાદ કેટલાક ટેબલેટ ખરાબ નીકળ્યા હોવાની વિદ્યાર્થીઓમાંથી ફરિયાદ ઊઠી છે. જો કે તેઓ કોલેજ, યુનિવર્સિટી કે સર્વિસ સેન્ટરમાં ફોન કરી શકે છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એક જાગૃત વાલી રમેશભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ તેમની પુત્રીનું ટેબલેટ માત્ર 3 દિવસ ચાલીને બંધ થઈ ગયું હતું. માત્ર તેમની વાત નથી કચ્છમાં અનેક છાત્રો પાસેથી આ કિસ્સા જાણવા મળે છે. કેટલાક તો ચાલુ જ નથી થઈ શકયા. જેથી આ સંબંધે યુનિવર્સિટીના કુલપતિ ડો. જાડેજાના સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે, દરેક કોલેજમાં એ માટે જવાબદાર કો-ઓર્ડિનેટર નીમવામાં આવ્યા હતા. સર્વિસ સેન્ટરોના નંબર આપવામાં આવેલા છે. આમ છતાં જો કોઈ યોગ્ય પ્રતિભાવ ન મળે તો યુનિ.નો સંપર્ક સાધી શકે છે. કંપનીનો સંપર્ક કરવામાં યુનિ.માંથી સહયોગ મળશે.