ડુમરામાં ગૌહત્યાનો પ્રયાસ કરનારા ગામના જ શખ્સને પોલીસે ઝડપ્યો
ડુમરામાં ગૌહત્યાનો પ્રયાસ કરનારા ગામના જ શખ્સને પોલીસે ઝડપ્યો કોઠારા (અબડાસા), તા. 13 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકામાં ડુમરા ગામે ચાર દિવસ પહેલાં બનેલા ગૌહત્યાના પ્રયાસના ચકચારી કિસ્સામાં અત્રેની પોલીસે તપાસ દરમ્યાન ડુમરા ગામના જ રહેવાસી એવા આરોપી હરેશ-ઉર્ફે હરિ આચાર કોળીને પકડી પાડયો હતો. આ શખ્સને અદાલત સમક્ષ રજૂ કરી તેના રિમાન્ડ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે. ગત શનિવારે રાત્રે ગૌહત્યાના પ્રયાસનો આ મામલો બહાર આવ્યા બાદ આરોપી નાસતો ફરતો હતો. તપાસ દરમ્યાન પોલીસને તેની ગેરહાજરી ધ્યાને આવ્યા બાદ કડીબદ્ધ પગલાં લઇને ડુમરા ગામની સીમમાંથી હરેશ-ઉર્ફે હરિને દબોચી લેવાયો હતો.  પોલીસ સૂત્રોએ આ અંગેની વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તહોમતદાર હરિ-ઉર્ફે હરેશ અગાઉ દારૂના કેસમાં પણ પકડાઇ ચૂક્યો છે. તેની પાસેથી કેસને સંલગ્ન વધુ   વિગતો અંકે કરવા તેને   રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોઠારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ સાથે સ્ટાફના સભ્યો આ કાર્યવાહીમાં જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ ગ્રામજનોમાં રોષ ફેલાવા સાથે પાંચ ગામના રહેવાસીઓ દ્વારા રેલી સ્વરૂપે પોલીસ સમક્ષ જઇને રજૂઆત કરાઇ હતી.