મુંદરા તાલુકામાં નર્મદા રથયાત્રાનો વિરોધ
મુંદરા તાલુકામાં નર્મદા રથયાત્રાનો વિરોધ મુંદરા, તા. 13 : મા નર્મદા મહોત્સવના રથયાત્રાનાં પગલે ઝરપરા અને ભુજપુરમાં ભારતીય કિસાન સંઘે સૂત્રોચ્ચાર કરી નર્મદા યાત્રાનો વિરોધ કર્યો હતો. તો કાંડાગરામાં કોંગ્રેસના અગ્રણીઓએ  તેનો વિરોધ કર્યો હતો. કાંડાગરામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મીઠુભાઇ મહેશ્વરી સહિત પાંચ વ્યક્તિઓની પોલીસે અટક કરી તેને મુંદરા પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. મુંદરા ગ્રામ પંચાયત કચેરી પાસેથી નર્મદાયાત્રાને ભાજપ તા. પ્રમુખ વાલજીભાઇ ટાપરિયા, તા.પં.ના પ્રમુખ રણજિતસિંહ જાડેજા, જિ.પં. શિક્ષણ સમિતિના  ચેરમેન છાયાબેન ગઢવી, જિ.પં. સદસ્યા મનીષાબેન કેશવાણી ઉપરાંત મામલતદાર એ.જે. ત્રિવેદી, તા. વિ. અધિકારી એમ. જી. વાયડા સહિતના અગ્રણીઓએ વિદાય આપી હતી. ત્યાર બાદ ધ્રબ ગામે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસરપંચ અસલમભાઇ તુર્ક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રા. શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે નર્મદાયાત્રા ઝરપરા પહોંચતાં ગામના પ્રવેશ રસ્તા ઉપર ભારતીય કિસાન સંઘ અને ભાજપના કાર્યકરોએ સામસામા સૂત્રોચ્ચાર કરતાં પરિસ્થિતિ પારખી ગયેલી પોલીસ સાવધાન થઇ ગઇ હતી. હાઇસ્કૂલના પરિસરમાં યોજાયેલી સભા દરમ્યાન કિસાન સંઘના રામ વિશુ મેઘરાજ ગઢવી, વિરમભાઇ નારાણ ગઢવી અને અન્યોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે,  નર્મદા યોજના પૂરી થઇ નથી અને પ્રજાના પૈસે આ નાટક કરવાની શી જરૂર છે ? બાદમાં પોલીસ અધિકારીઓને વારંવાર દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. ગામમાં પીવાના પાણીના 4 બોર છે એ પાણી પીવાલાયક નથી. કિસાનોની સંખ્યાબંધ ફરિયાદોનો ઉકેલ આવતો નથી ને તમે યાત્રાઓ કાઢો છો ? એક તબક્કે કોણ શું બોલે છે એ સમજી શકાતું ન હતું. ભાજપના અને અન્ય પદાધિકારીઓની  વારંવારની શાંત રહેવાની વિનંતી કિસાન સંઘે ધ્યાને લીધી ન હતી અને આ ચૂંટણી પ્રચાર છે તેવો સીધો આક્ષેપ કર્યો હતો. મામલતદાર શ્રી ત્રિવેદીએ હેતુ સમજાવ્યો હતો. જો કે, આયોજકોનો હેતુ પાર પડયો ન હતો. ત્યારબાદ ટુંડા નદીના ચકરાવા પાસે તથા કાંડાગરા ગ્રા.પં. સાથે કોંગ્રેસના તા. પ્રમુખ સહિતના આગેવાનોએ નર્મદા યાત્રાનો વિરોધ કર્યો હતો. વાત વણસે એ પહેલાં તા. કોંગ્રેસ પ્રમુખ મીઠુભાઇ મહેશ્વરી, નાનજી મીઠુ મહેશ્વરી (બંને રહે. કાંડાગરા) તથા મયૂર આતુ મહેશ્વરી, નીતિન કેશવાણી, વિજય મહેશ્વરી (રહે. ટુંડા)ની પોલીસે અટક કરી મુંદરા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. જ્યારે ભુજપુરમાં પણ ભારતીય કિસાન સંઘના અગ્રણીએ સૂત્રોચ્ચાર કરતાં વાતાવરણ ગરમાયું હતું અને માત્ર પૂજનની ઔપચારિકતા કરી કાર્યક્રમને  પડતો મૂકવામાં આવ્યો હતો. કાંડાગરામાં ધારાસભ્ય તારાચંદભાઇ છેડાએ નર્મદા પૂજન યાત્રાની વિગત આપી યોજના અને યાત્રા સંબંધિત સૌને વાકેફ કર્યા હતા. ગિરીશભાઇ છેડા ઉપરાંત ગામના સરપંચ તથા અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા માંડવી તાલુકા તરફ આગળ વધી હતી. આજના ઘટનાક્રમની નોંધપાત્ર વિગત એ રહી કે, ભારતીય કિસાન સંઘે ખુલ્લામાં વિરોધ કરવાનું નક્કી કરતાં આયોજકો ચિંતામાં મુકાયા હતા.