સ્વહિતને ત્યજી બેંકહિતને પ્રાધાન્ય આપવા અપીલ
સ્વહિતને ત્યજી બેંકહિતને પ્રાધાન્ય આપવા અપીલ ભુજ, તા. 13 : સમાજના સમીકરણોની સાથોસાથે રાજકીય પરિબળોની ભૂમિકાને પગલે ચર્ચાસ્પદ બનેલી ભુજ કોમર્શિયલ કો. ઓપરેટિવ બેન્કની આજે સવારે મળેલી બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઇ હતી. નવનિયુકત ચેરમેને સ્વહિતને ત્યજી બેંકહિતને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી.  ગત જુલાઇ માસે ભુજમાં યોજાયેલી અને રાજકીય ચૂંટણી જેવો માહોલ સર્જનારી અને જિલ્લામાં 11 હજારથી વધુ સભાસદો ધરાવતી બીસીસીબીની ચૂંટણીમાં ભુજ જથ્થાબંધ બજાર વેપારી પેનલને 7 બેઠકો જ્યારે વેપારી પેનલને 6 બેઠકો પ્રાપ્ત થઇ હતી જેને પગલે હોદ્દેદારોની નિમણૂકનું કોકડું ગુંચવાયું હતું.  ગત રાત્રિ સુધી સમજૂતીના સામાજિક સ્તરે થયેલા તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડયા હતા અને આજે સવારે મળેલી બોર્ડ બેઠકમાં  ભુજ જથ્થાબંધ બજાર વેપારી પેનલના હિતેશ ચત્રભુજ ઠક્કરની ચેરમેન પદે તથા રમેશ મહેશ્વરી (ધૂવા)ની વાઇસ ચેરમેન પદે તેમજ મેનેજિંગ ડાયરેકટર તરીકે નગરસેવિકા ગોદાવરીબેન કાન્તિલાલ ઠક્કરની સર્વ સંમતિથી નિમણૂક કરાઇ હતી.  બેઠકમાં ચેરમેન તરીકે હિતેશભાઇના નામની દરખાસ્ત કલ્પેશ પૂજારાએ કરતાં રમેશ મહેશ્વરીએ ટેકો જાહેર કર્યો હતો. શ્રી મહેશ્વરીના નામની દરખાસ્ત શ્રી ઠક્કરે કરી હતી જેને ધીરેન ઠક્કરે ટેકો આપ્યો હતો તેમજ ગોદાવરીબેનના નામની દરખાસ્ત રમેશભાઇએ કરતાં મધુકરભાઇ ઠક્કરે ટેકો આપતાં 2 વર્ષ અને 6 માસ માટે હોદ્દેદારો બિનહરીફ વરાયા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે, બેંકના 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પિતા-પુત્ર ચેરમેન બન્યાનો દાખલો બેસ્યો છે. હિતેશભાઇ સતત ત્રણ ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ જથ્થાબંધ બજાર દલાલ એસો.ના 8 વર્ષથી પ્રમુખ છે. આ ઉપરાંત ભુજ લોહાણા યુવા મંડળમાં પ્રમુખ, ખજાનચી, મંત્રી, સભ્ય, ભુજ રઘુવંશી સોશ્યલ ગ્રુપના મહામંત્રી, લોહાણા મહાજનના કારોબારી સભ્ય, ખજાનચી તથા બીસીસીબીના ચાર વર્ષ એમ.ડી. પદે સેવા આપી છે. હિતેશભાઇના પિતા પણ ભુજ ગ્રેઇન એન્ડ સિડસ હોલસેલ મરચન્ટ એસો. સમિતિની ભીડ બજારની વેપારી પેનલમાં ચાર ટર્મ સુધી ચૂંટણી જીત્યા હતા. દલાલ એસો.ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 1996માં ચેરમેન પદે પણ આરૂઢ થયા હતા.  બેઠકમાં ચેતન શાહ, મહેન્દ્ર ઠક્કર, કમલેશ કારીઆ, ગૌતમ ઠક્કર, અશ્વિન ઠક્કર, ચિંતન ઠક્કર, રેશ્માબેન ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.