કે.ડી.સી.સી.ની ડિપોઝિટમાં 70 કરોડનો વધારો
કે.ડી.સી.સી.ની ડિપોઝિટમાં 70 કરોડનો વધારો ભુજ, તા. 13 : કચ્છ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ (કે.ડી.સી.સી.) બેંકની આજે મળેલી 59મી સાધારણ સભામાં બોલતાં બેંકના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ગયા વરસ કરતાં આ વરસે બેંકની ડિપોઝિટમાં 70 કરોડનો વધારો થયો છે. બેંકના ઇતિહાસમાં તેમણે પહેલી વખત વેબસાઇટ અને એ.ટી.એમ. સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપસ્થિત સભાસદો તથા સહકારી ક્ષેત્રના આગેવાનોને સંબોધતાં ચેરમેન શ્રી ગઢવીએ વધુ માહિતી આપતાં કહ્યું કે, શેર મૂડીમાં પાંચ કરોડનો વધારો થયો છે. ઉપરાંત બેંકે ખેડૂતોને એક ટકાના વ્યાજદરે રૂા. 104.63 કરોડનું પાક ધિરાણ આપ્યું છે. આગામી દિવસોમાં 37 સહકારી મંડળીઓને કોમ્પ્યુટરથી સજ્જ કરવામાં આવશે. આજથી એ.ટી.એમ. સેવાની શરૂઆત સાથે હવે કોમ્પ્યુટરમાં એક ક્લિકથી બેંકની સંપૂર્ણ માહિતી મળે તે માટે વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનું ચેરમેને ઉમેર્યું હતું. આ પૂર્વે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે બેંકની પ્રગતિ માટે સહિયારા પ્રયાસો કરવા જણાવી સરહદ ડેરી દ્વારા આ બેંકમાં 80 કરોડની ડિપોઝિટ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિલીપ ત્રિવેદી, ડાયરેક્ટર રૂપાભાઇ ચાડ, સહકારી સંઘના ચેરમેન શિવજીભાઇ આહીર વગેરે સહકારી આગેવાનોએ પ્રવચનમાં છેલ્લા થોડા વર્ષમાં અગર કે.ડી.સી.સી. બેંકની સ્થિતિ સુધરી હોય તો ચેરમેન શ્રી ગઢવીની કાર્યપદ્ધતિ કામ કરી ગઇ હોવાનું જણાવ્યું હતું. પ્રારંભમાં બેંકના એમ.ડી. ઇન્દ્રજિતસિંહ જાડેજાએ સૌનું સ્વાગત કર્યું હતું. ચેરમેનના હસ્તે એ.ટી.એમ.નો પ્રારંભ થયો હતો તો નાબાર્ડના અધિકારી રમેશભાઇ ચૂગના હસ્તે વેબસાઇટનું લોકાર્પણ કરાયું હતું. ડાયરેક્ટર મનુભા જાડેજાએ વેબસાઇટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભુજના નગરપતિ અશોકભાઇ હાથી, જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, બેંકના વાઇસ ચેરમેન જયસુખભાઇ પટેલ, ખરીદ વેચાણ સંઘના ચેરમેન વિશ્રામ રાબડિયા, સહકારી આગેવાનો મહેન્દ્રસિંહ જાડેજા, વેલાભાઇ જરૂ, પ્રવીણભાઇ પટેલ, ભાઇલાલ પટેલ, માવજીભાઇ સોરઠિયા વગેરે હાજર રહ્યા હતા. સભાસદોએ કેટલાક સૂચનો કર્યા હતા. મહેમાનોનું પ્રારંભમાં સ્વાગત કરાયું હતું. સી.ઇ.ઓ. વીરેન્દ્રસિંહ જાડેજાએ બેઠકની કાર્યવાહી સંભાળી હતી. સંચાલન તુષાર પટ્ટણીએ કર્યું હતું, તો કેટલાક ઠરાવ પણ?પસાર કરાયા હતા.