ગાંધીધામ પાલિકાને ત્રણ વર્ષે સિટી બસ યાદ આવી

ગાંધીધામ, તા. 13 : વર્ષોથી ભાજપશાસિત ગાંધીધામ નગરપાલિકાના સત્તાધીશોએ 2014માં સિટી બસ ચાલુ કરી પરંતુ મંજૂરી ન હોવાથી તે બંધ થઇ ગઇ હતી. હવે જ્યારે  વિધાનસભા ચૂંટણી નજીક આવે છે ત્યારે પ્રવર્તમાન ભાજપના સત્તાધીશોને ત્રણ વર્ષ બાદ સિટી બસની યાદ આવી છે.આજે મળેલી કારોબારીની બેઠકમાં કોન્ટ્રેક્ટરને આખરી નોટિસ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એસઆરસી દ્વારા સંચાલિત સિટી બસ સેવા બંધ થઇ ગયા બાદ વર્ષ 2014માં કોઇ પણ જાતની પૂર્વ તૈયારી વિના નગરપાલિકાએ 15 ઓગસ્ટના સિટી બસ શરૂ કરી હતી, પરંતુ બસ માટે આરટીઓમાંથી મેળવવી પડતી સ્ટેજ કેરેજ પરમિશન જ મળી ન હોવાથી બસ બંધ થઇ ગઇ હતી. આ મંજૂરી લેવા માટે નવી ચૂંટાયેલી બોડીએ કોઇ રસ જ ન દાખવ્યો અને શહેર માટેની જરૂરી સેવા શરૂ થશે તેવી વાત વીસરાઇ ગઇ હતી. પરંતુ આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં અચાનક સિટી બસનો  મુદ્દો સમાવાતાં આશ્ચર્ય પ્રસર્યું છે. આ અંગે કારોબારી ચેરમેન તારાચંદ ચંદનાનીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આરટીઓમાં બસના દસ્તાવેજ કોન્ટ્રેક્ટરે લઇ જવાના છે. આ મામલે અગાઉ બે વખત નોટિસ અપાઇ હતી. હવે આવતીકાલે 8 દિવસના સમય સાથે આખરી નોટિસ આપવામાં આવશે. જો કોન્ટ્રેક્ટર કોઇ કાર્યવાહી નહીં કરે તો ડિપોઝિટ જપ્ત કરી નવેસરથી સિટી બસ માટેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ?ધરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપની સંકલન સમિતિએ નગરપાલિકાને સિટી બસ વેળાસર શરૂ કરવા સૂચન કર્યું હતું. પરંતુ પક્ષના જ સૂચનને અત્યાર સુધી ઘોળીને પી જવાયું હતું. પાલિકાએ કાર્યવાહી શરૂઆતમાં જ કરી હોત તો  શહેરના માર્ગો પર અત્યારે સિટી બસ દોડતી હોત તેવી ટકોર જાણકારો કરી રહ્યા છે. ત્રણ વર્ષનો સમયગાળો અત્યંત લાંબો છે. આટલા સમયમાં તો કોન્ટ્રેક્ટરે ખરીદેલી બસોની હાલત પણ કંઇ ખાસ સારી નહીં હોય. પરિણામે હવે નવા ટેન્ડરમાં જ બંને પક્ષોને ફાયદો હશે, તેવું ચર્ચાઇ રહ્યું છે. કમસે કમ વિધાનસભા ચૂંટણીના જાહેરનામા પહેલાં ટેન્ડરો પુન: બહાર પડી જાય તો પ્રજા સમક્ષ જઇને મત મેળવવા આસાન બનશે તેવું રાજકીય ગણિત મંડાયું હોવાનું જાણકારો કહે છે. આ પંચરંગી શહેરનો મધ્યમ અને ગરીબવર્ગ અત્યારે  આડેધડ દોડતા છકડાના સહારે ચાલી રહ્યો છે. તેમાં પણ જુદા જુદા રૂટ માટે જુદા જુદા છકડા હોવાથી બે-ચાર છકડા બદલીને લોકો ગંતવ્ય સ્થાને પહોંચે છે, જે ખૂબ મોંઘું પડી રહ્યું છે. આમ છતાં નગરપાલિકાને આ નાના વર્ગની કોઇ જ ચિંતા ન હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer