રબારી સમાજને અનુ.જાતિ-જનજાતિનાં પ્રમાણપત્ર અપાતાં કચ્છમાં થતો વિરોધ
ગાંધીધામ, તા. 13 : રાજ્ય સરકાર દ્વારા હાલમાં વેરાવળ ગીર સોમનાથમાં રબારી સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં રબારી સમાજને અનુસૂચિત જનજાતિ-આદિજાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. બંધારણના ઉલ્લંઘન સમાન આ બનાવથી કચ્છના આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ અંગે મંત્રી, કલેક્ટર અને સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. વેરાવળ ગીર સોમનાથમાં રાજ્ય સરકાર દ્વારા રબારી સમાજને અનુસૂચિત જનજાતિ આદિજાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. જે બાબત ગેરબંધારણીય છે અને બંધારણ સાથે છેડછાડ કરી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું કચ્છ જિલ્લા આદિવાસી વિકાસ પરિષદ દ્વારા જણાવાયું હતું. મંત્રી ગણપત વસાવા, આદિજાતિ વિકાસ સચિવ, આદિજાતિ વિકાસ કમિશનર, કચ્છ કલેક્ટર અને સાંસદ વિનોદ ચાવડાને પાઠવાયેલા પત્રમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે આદિવાસીઓ હક્કોનું વિભાજન કરી તેમના વિકાસને અવરોધવાનું કામ કર્યું છે, જેથી આ સમાજમાં ઉગ્ર રોષ, અસંતોષની લાગણી ઉત્પન્ન થઇ છે. રબારી સમાજને જે જનજાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે તમામ રદ કરવા અને તેમને અનુ. જનજાતિમાં સમાવવા અંગેના તમામ ઠરાવો, પરિપત્રો રદ કરવા માંગ કરવામાં આવી હતી. જો આવું ન થાય તો ઉગ્ર આંદોલન, રેલી, ધરણા, અહિંસક લડત વગેરે કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી આ પત્રમાં ઉચ્ચારવામાં આવી હતી.