નોરતાં આડે થોડા દિ'' પણ અંજારની બજારમાં સર્જાયો છે મંદીનો માહોલ

ગાંધીધામ, તા. 13 : મા આદ્યશક્તિનાં પાવન પર્વ નવરાત્રિ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લાના ઐતિહાસિક અંજાર શહેરની ખત્રી બજારમાં મંદીના માહોલ વચ્ચે હાલ જી.એસ.ટી.ની અસર પણ વર્તાઇ રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કેટલીક પેઢીઓમાં ચણિયાચોળીની વત્તાઓછા પ્રમાણમાં ખરીદીનો આરંભ થયો છે, તો બીજીબાજુ બજારમાં સ્થાનિક ગ્રાહકોનું ગ્રહણ લાગ્યું હોવાનો અહેસાસ વેપારીઓ કરી રહ્યા છે. આ વર્ષે વેપારીઓએ કચ્છી વર્ક, રાજા-રાણી પેટર્ન, બ્લોક પ્રિન્ટ, ઊનવર્ક, રામ-લીલા બોર્ડર સહિતની વિભિન્ન ડિઝાઇનો ગ્રાહકો માટે તૈયાર કરી છે. નવલાં નોરતાંની ઉજવણીને લઇને ખેલૈયામાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે જેના ભાગરૂપે ખેલૈયાઓ આગોતરી તૈયારી કરતા હોય છે. એટલું જ નહીં બહેનો પોતાના પરંપરાગત ચણિયાચોળીથી માંડી ગળાના હાર તૈયાર કરવા સહિતની કામગીરીમાં જોડાતી હોય છે. અલબત્ત, આ વર્ષે અંજારની પ્રખ્યાત ખત્રી બજારમાં બજારનો રાજા ગ્રાહકનાં દર્શન દુર્લભ થવા લાગ્યા છે. ખત્રી બજારના ખત્રી ઇસ્માઇલ હાજી અબ્દુલ લતીફ પેઢીના ઇસ્માઇલભાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચણિયાચોળીના વેપારની વત્તાઓછા પ્રમાણમાં શરૂઆત થઇ?છે. હાલ મિની હોલસેલના માલનું વેચાણ શરૂ?થયું છે પરંતુ સ્થાનિક ગ્રાહકોની સંખ્યા જોઇએ એટલા પ્રમાણમાં નથી. આ વર્ષે ચણિયાચોળીમાં કચ્છી વર્ક, રાજા-રાણી ડિઝાઇન, બ્લોક પ્રિન્ટ, ઊનવર્ક, રામ-લીલા બોર્ડર વર્ક વિગેરે ડિઝાઇન તથા કેડિયાં વગેરે ગ્રાહકો માટે તૈયાર રખાયા છે. જી.એસ.ટી. તથા મંદીના માહોલની સ્થિતિ સહિતના કારણોસર આ વર્ષે ચણિયાચોળીનું વેચાણ બંધ?કર્યું હોવાનું કચ્છ કલા નિકેતનના ઇબ્રાહીમભાઇએ જણાવ્યું હતું. અંદાજિત છેલ્લા 30 વર્ષથી વધુ જૂની કચ્છ લકી હેન્ડીક્રાફ્ટના ઝાહીરભાઇએ તાજેતરમાં લાગુ પડેલા જી.એસ.ટી.ના કારણે વેપારને અસર પડી હોવાનું જણાવ્યું હતું તેમજ ચણિયાચોળી માટેનો કાચો માલ મોંઘો થતો હોવાથી કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે. નવરાત્રિને અનુલક્ષીને કોમ્પ્યુટર ડિઝાઇન સાથેની મશીનવર્ક તથા હેન્ડવર્ક ખેલૈયાઓ માટે તૈયાર કરાયું છે. હાલ ગ્રાહકોની ખરીદ શક્તિને પણ અસર પહોંચી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. દેશની કરપ્રથાને એક તાંતણે બાંધવાની અનોખી પદ્ધતિ જી.એસ.ટી.થી અંજારની આ બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. જેની એક વર્ષ સુધી અસર રહેવાનું વેપારીઓ જણાવે છે. નવરાત્રિના થોડા દિવસો પહેલાં વેપારમાં તેજી આવશે એવી આશા વેપારીવર્ગ સેવી રહ્યો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer